કચ્છના ખાવડા સોલાર પાર્ક નજીક બોલેરો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
Live TV
-
કચ્છના ખાવડા RE પાર્ક નજીક આવેલી મીરા કાંટા પાસે મોડી રાત્રે પિકઅપ વાહન અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શ્રમિકો ભરેલા પિકઅપ વાહનમાં સવાર અંદાજે 4 થી 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ગુરુવારે મોડી રાત્રે કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલા 'આરી પાર્ક' (RE પાર્ક) નજીક આ ગમખ્વાર અકસ્માત થયો હતો. પિકઅપ વાહનમાં 19થી વધુ શ્રમિકો સવાર થઈને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન, પિકઅપ વાહન ઓવરટેક કરી રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર સાથે તેની ભયાનક ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનમાં સવાર લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ સાથે જ પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરાતા કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા,પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
