2030 કૉમનવેલ્થ ગેમ્સના લક્ષ્ય સાથે 'શક્તિદૂત 2.0' યોજના અમલી
Live TV
-
ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ વૈશ્વિક મંચ પર દેશનો ત્રિરંગો લહેરાવવા સજ્જ બની રહ્યા છે. છેવાડાના વિસ્તારોમાં રહેતા હોનહાર બાળકો આર્થિક સંકડામણ કે યોગ્ય માર્ગદર્શનના અભાવે પાછળ ન રહી જાય, તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 'શક્તિદૂત 2.0' યોજના અમલી બનાવવામાં આવી છે. વર્ષ 2030ની કૉમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને માત્ર 9 વર્ષની વયથી જ રમત-પ્રતિભાઓને શોધીને તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
'શક્તિદૂત 2.0' અંતર્ગત પારદર્શક પૉઇન્ટ સિસ્ટમ દ્વારા 9 વર્ષની કુમળી વયથી જ રમતવીરોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેલાડીઓની વાર્ષિક આર્થિક સહાય ₹25 લાખથી વધારીને ₹50 લાખ કરવામાં આવી છે. પસંદ થયેલા એથ્લીટ્સને અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ્સ, દેશ-વિદેશમાં વિશેષ તાલીમ અને સ્પોર્ટ્સ મેડિસિન જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
દિવ્યાંગ ખેલાડીઓને સમાન તક આપવાના ઉદ્દેશ્યથી પૅરા, ડેફ અને બ્લાઇન્ડ એથ્લીટ્સ માટે ₹7 લાખથી ₹50 લાખ સુધીની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, તાલીમનું સ્તર વધુ મજબૂત બને તે માટે ખેલાડીઓની સાથે તેમના કોચને પણ વર્ષમાં બે વાર આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર પૂરું પાડવામાં આવે છે. કોચિંગ સેન્ટર્સ, સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયો સપોર્ટ અને ડાયેટ ગાઇડન્સની મદદથી ખેલાડીઓ ઈજામુક્ત રહી પોતાની શ્રેષ્ઠ ફિટનેસ જાળવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,358 ખેલાડીઓને ₹42 કરોડથી વધુની સહાય ચૂકવાઈ ચૂકી છે. જેના પરિણામે ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 785 મેડલ હાંસલ કર્યા છે.
ટોક્યો અને પેરિસ ઑલિમ્પિક્સ બાદ હવે આગામી 2026 એશિયન ગેમ્સ તેમજ ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ માટે પણ રાજ્યના ખેલાડીઓની પસંદગી થઈ છે. વૈજ્ઞાનિક અભિગમ અને સરકારના મજબૂત પીઠબળથી ગુજરાતના યુવા ખેલાડીઓ હવે વિશ્વવિજય મેળવવા માટે પૂરી રીતે તૈયાર છે.
