કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે
Live TV
-
કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે. કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેક નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવારની સુવિધા મળશે. આ માટે મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ ૪૨ જગ્યાઓ નિયમીત ધોરણે તેમજ કુલ 32 જગ્યાઓ આઉટ સોર્સીંગથી મળીને કુલ 74 જગ્યાઓના મહેકમ પણ મંજૂર કરાયું છે. આ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવા વર્ષ 2022-23ના અંદાજપત્રમાં પ્રથમ વર્ષ માટે 5 લાખ રુપિયાની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સકો પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થશે જેથી આધુનિક ઢબે પશુપાલનથી આજીવીકામાં નોંધપાત્ર વધારો થશે.
