કડી-વિસાવદરની પેટાચૂંટણીનું આજે પરિણામ, બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ
Live TV
-
આજે દિવસભર મતગણતરી પર સૌની નજર રહેશે અને બપોર સુધીમાં બંને બેઠકોના સ્પષ્ટ પરિણામો સામે આવી જશે. આ બંને બેઠકોના પરિણામો ગુજરાતના રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે.
કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, આ પરિણામ ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર પેટાચૂંટણીના મતદાનમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. મહેસાણાના કડીમાં 57.90 ટકા અને જુનાગઢના વિસાવદરમાં 56.89 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં વિસાવદરના પરિણામ પર સૌ કોઈની નજર રહેશે. કારણ કે, વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઈટાલીયા વચ્ચે જંગ રહેલો છે, જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા સામે કોંગ્રેસના રમેશ ચાવડા છે.
કડી બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
કડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધો જંગ છે. રાજેન્દ્ર ચાવડા ભાજપના અનુભવી નેતા છે અને તેમને સંગઠનનો મજબૂત ટેકો પણ છે. સામે પક્ષે કોંગ્રેસના રમેશ ચાવડા સ્થાનિક સ્તરે સારી પકડ ધરાવે છે અને તેમણે સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું છે. આ બેઠક પર કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટબેંકને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે ભાજપ આ બેઠક જીતીને પોતાની પકડ વધુ મજબૂત કરવા આતુર છે.
વિસાવદર બેઠક પર ભાજપ-AAP વચ્ચે મુખ્ય મુકાબલો
વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગોપાલ ઇટાલીયા વચ્ચે મુખ્ય મુકાબલો છે. કિરીટ પટેલ ભાજપના સ્થાનિક કદાવર નેતા છે અને તેમનો જનસંપર્ક સારો છે. જ્યારે બીજી તરફ, ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે અને તેમની યુવા નેતા તરીકેની છબી અને આક્રમક પ્રચાર શૈલીથી તેમણે મતદારોનું ધ્યાન ખેંચ્યું છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા પણ મેદાનમાં ઉતરેલા છે, પરંતુ મુખ્ય લડત ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માનવામાં આવી રહી છે. આ બેઠકનું પરિણામ AAPના ગુજરાતમાં ભાવિ વિસ્તરણ માટે પણ મહત્ત્વનું સાબિત થશે.
બંને બેઠકોના પરિણામોથી ગુજરાતના રાજકીય સમીકરણો પર અસર
જો ભાજપ બંને બેઠકો જીતવામાં સફળ રહે છે, તો તે રાજ્યમાં તેની મજબૂત પકડ અને આગામી ચૂંટણીઓ માટેના આત્મવિશ્વાસને વધુ દ્રઢ કરશે. જો આમ આદમી પાર્ટી વિસાવદર બેઠક જીતે છે, તો તે ગુજરાતમાં તેના પગ જમાવવાની દિશામાં એક મોટું પગલું હશે અને ભાજપ-કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બનશે. તેવી જ રીતે, જો કોંગ્રેસ કડી બેઠક જીતે છે, તો તે પક્ષમાં નવો ઉત્સાહ ઉમેરશે અને ભાજપને પડકાર આપવાની તેની ક્ષમતાને પુનર્જીવિત કરશે.
