કોરોનાને પગલે રાજકોટ-જામનગરમાં નહીં થાય શ્રાવણના લોકમેળા
Live TV
-
રાજકોટના પ્રખ્યાત લોકમેળાને લાગ્યુ કોરોનાનું ગ્રહણ. નહિ યોજવામાં આવે રાજકોટનો લોકમેળો. તો જામનગરમાં પણ મેળો નહી યોજવા માટે જામનગર મહાનગર પાલિકાએ કરી જાહેરાત. સોમનાથ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન બંધ કરવા માટે ઇન્ડિયન મેડીકલ એસોશીએશનની વેરાવળ શાખાએ જિલ્લા કલેક્ટરને આપ્યુ આવેદન પત્ર. કહ્યુ શ્રાવણ માસમાં યાત્રિકોનો ધસારો વધતા કોરોના સંક્રમણની સ્થિતિ બનશે ચિંતાજનક.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે વધતી આ મહામારીનો સંક્રમણ અટકે તે માટે સરકાર સાથે વહીવટીતંત્ર પણ પ્રયત્નશીલ છે. ત્યારે હવે કોરોનાને ધ્યાને લઈ સૌરાષ્ટ્રમાં યોજાતો જન્માષ્ટમી અને શ્રાવણ માસનો લોકમેળો રદ્દ કરવાનો સત્તાવાર નિર્ણય લેવાયો છે.
સૌરાષ્ટ્રમાં લોકમેળાનું ખુબ જ મહત્વ છે. ત્યારે આ વખતે જન્માષ્ટીના લોકમેળાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સૌરાષ્ટ્રમાં લોકમેળો યોજાશે નહીં. જન્માષ્ટીમીના પર્વ પર 5 દિવસ મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે લોકમેળો રદ કરવાનો નિર્ણય રાજકોટ જિલ્લા કલેક્ટરે કર્યો છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં લોકમેળો 5 દિવસ અને ખાનગી મેળા 30 દિવસ સુધી ચાલતા હોય છે. રાજકોટ શહેરમાં યોજાતા લોકમેળામાં 10 લાખથી પણ વધુ લોકો મુલાકાત લેતા હોય છે.
રાજકોટ બાદ જામનગરમાં પણ જન્માષ્ટમી અને શ્રાવણ માસના તમામ લોકમેળા યોજાશે નહીં. જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષસ્થાને આ નિર્ણય લેવાયો હતો.
આ તરફ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન બંધ કરવા વેરાવળ ઈન્ડિયન મેડીકલ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિરે યાત્રિકો ભારે ભીડ થતાં જિલ્લા કલેક્ટર અને સોમનાથ ટ્રસ્ટને આવેદન પત્ર અપાયું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વેરાવળ પંથક જ્યારે 300 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે બહારથી આવતા દર્શનાર્થીઓના કારણે કેસમાં વધારો થાય તેવી શક્યતાને નકારી શકાતી નથી, જેથી સોમનાથ મંદિરના પ્રત્યક્ષ દર્શન બંધ થાય તેવી ઇંડીયન મેડીકલ એસોશીએશન દ્વારા અપીલ કરાઈ છે.
આમ, રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થતાં સૌરાષ્ટ્રમાં પરંપરાગત યોજાયો જન્માષ્ટમીનો મેળો પણ મોકુફ રખાયો છે...અને લોકો ઘરમાં જ રહીને તમામ તહેવારોની ઉજવણી કરે તેવી અપીલ કરવામાં આવી છે.
