કોરોના વાઇરસને લઇને સતર્કતા, ધાર્મિક કાર્યક્રમો રદ કરાયા
Live TV
-
ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝીટવ કેસ હજી સુધી નોંધાયો નથી,-સંભવિત ખતરાને પગલે ધાર્મિક કાર્યક્રમો રદ
ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝીટવ કેસ હજી સુધી નોંધાયો નથી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતિ રવિએ ગઇકાલે ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 38 શંકાસ્પદક નમુનાઓ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
તેમણે જણાવ્યું કે માત્ર એક સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. ડોકટર જયંતી રવિએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યા અનુસાર તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
જો જરૂર પડશે તો સુરત, રાજકોટ અને વડોદરા ખાતે કોરોના વાયરસના ટેસ્ટીંગ માટેની સુવિધા ઊભી કરાશે.
દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ મહિલા તાજેતરમાં સિંગાપોરથી પ્રવાસ કરીને રાજકોટ આવ્યા હતા.
કોરોના વાઇરસ જેવી કટોકટીને ધ્યાનમાં લઈ રાજયમાં મોટી મેદની એકઠી થવાની હોય તેવા કાર્યક્રમો રદ થઈ રહ્યા છે.
ગઢડા ખાતે સ્વામીનારાયણ બી.એ.પી.એસ. પાંખના ફૂલદોલોત્સવ ઉપરાંત ભાવનગર ખાતે યોજાનાર વિશ્વ મહિલા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો જાહેર કાર્યક્રમ પણ રદ કરાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં મહિલા દિવસ નિમિત્તે યોજાનાર મહિલા સંમેલન પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. કંડલા અને મુંદ્રા ખાતે આવેલા બંદર ઉપર આવતા જહાજના સ્ટાફનું આરોગ્ય પરીક્ષણ ચાલી રહ્યું છે. દરમિયાન ડાકોર ખાતે યોજાનાર પરંપરાગત ફાગણોત્સવ પણ રદ થયો છે
