કોલકાતામાં 1 નવેમ્બરના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો યોજાશે રોડ શૉ
Live TV
-
કોલકાતામાં 1 નવેમ્બરના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત સરકાર તરફથી ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય મહાનુભાવો તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
10મા વાયબ્રન્ટ ગુજરાત સંસ્કરણ માટે નવી દિલ્હીમાં આયોજિત કર્ટેન રેઈઝર અને મુંબઇ, ચંડીગઢ અને જાપાનમાં આયોજિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શૉની સફળતા બાદ, આગામી 1 નવેમ્બર, 2023ના રોજ કોલકાતામાં રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તરફથી ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ રોડ શૉ યોજાશે. આ રોડ શૉનો હેતુ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 મારફતે ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (ભવિષ્યનું પ્રવેશદ્વાર) તરીકે હાઇલાઇટ કરવાનો છે. આ રોડ શૉ વ્યવસાયો અને કંપનીઓને ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારની તકોને એક્સપ્લોર કરવા માટે તેમજ GIFT સિટી, ધોલેરા SIR અને માંડલ બેચરાજી SIR જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણો આકર્ષિત કરવા માટે સક્ષમ બનાવશે.
કાર્યક્રમની શરૂઆતમાં એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના ગુજરાત પરિષદના અધ્યક્ષ શ્રી ચિંતન ઠાકર સ્વાગત પ્રવચન આપશે અને ત્યારબાદ ગુજરાત સરકાર તરફથી અધિક ઉદ્યોગ કમિશ્નર કુલદીપ આર્ય ગુજરાતમાં વ્યવસાયની તકો અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરશે. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાત અંગેના તેમના અનુભવો શેર કરવામાં આવશે તેમજ વાયબ્રન્ટ ગુજરાત, ધોલેરા SIR અને GIFT સિટી પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, VGGSની સફળતાના 20 વર્ષ, માનનીય પ્રધાનમંત્રીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝન અને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અંતર્ગત ગુજરાતની સજ્જતા અંગે સંબોધન કરશે. ત્યારબાદ રૂપા એન્ડ કંપનીના પ્રેસિડેન્ટ, નિઓ મેટાલિક્સ લિ.ના ડાયરેક્ટર અને ASSOCHAM ઇસ્ટર્ન રિજીયનના ભૂતપૂર્વ અધ્યક્ષ રવિ અગ્રવાલ દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થશે.
