ભાવનગરઃ ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં "સાંસદ ખેલ મહોત્સવ 2023"નો સમાપન સમારોહ યોજાયો
Live TV
-
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે "સાંસદ ખેલ મહોત્સવ 2023"નો સમાપન સમારોહ યોજાયો હતો.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે "સાંસદ ખેલ મહોત્સવ 2023"નો સમાપન સમારોહ યોજાયો હતો. ભાવનગર અને બોટાદના લોકસભા ક્ષેત્રમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવ-2023 નું આયોજન થયું હતું. જેમાં કુલ 22000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની રમતોમાં વિજેતા ટિમો, ખેલાડીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ભાવનગર અને બોટાદના લોકસભા ક્ષેત્રમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવ 2023 ના ભવ્ય આયોજનનું આજે સમાપન થયું હતું. ખેલ મહોત્સવનો પ્રારંભે તાલુકા કક્ષાનો રમતોત્સવ તા.૧૯, ૨૦, ૨૧ ઓક્ટોબર દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલ હતો. તા.૨૮,૨૯ ઓક્ટોબર 2023ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં શુટિંગ બોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ જેવી વિવિધ રમતો સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી.
આજે ફાઇનલ મેચોમાં કેન્દ્રિય મંત્રીએ હાજર રહી ખેલાડીઓના જુસ્સામાં વધારો કર્યો હતો. તેમજ ટોસ ઉડાડી વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે સ્પર્ધાના અંતે ભાવનગર શહેર, ગ્રામ્ય અને બોટાદના તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા પ્રથમ નંબરના તમામ વયજૂથના ખેલાડીઓને કેન્દ્રિયમંત્રી ડો.મનસુખ માંડવિયા તેમજ મહાનુભાવોના હસ્તે શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.
આ તકે ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, સાંસદ ખેલસ્પર્ધા રમતગમતના કૌશલ્યને ઉજાગર કરવાનો અવસર છે. આ સાંસદ ખેલ મહોત્સવ 2023 માં 22000 જેટલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં 15 વર્ષથી 93 વર્ષના લોકો હતા જે ગૌરવની બાબત છે. જેમાંથી દરેક સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ, શિવાભાઈ ગોહિલ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા, શહેર ભા.જ.પ. પ્રમુખ અભયભાઈ ચૌહાણ, જીલ્લા ભા.જ.પ. પ્રમુખ આર.સી.મકવાણા, કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, મનપા કમિશ્નર એન. વી.ઉપાધ્યાય, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, તેમજ ખેલાડીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
