ખાનગી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે કરાવી શકાશે કોરોનાનો ટેસ્ટ
Live TV
-
ટેસ્ટ માટે હવે કોઇ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી, મુખ્ય જિલ્લા અધિકારીને ઇ-મેઈલ દ્વારા દર્દીઓની વિગત આપવી પડશે
રાજ્ય સરકારે કોરોના વાયરસના ટેસ્ટ અંગે મોટી જાહેરાત કરી છે. આરોગ્ય વિભાગે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, ખાનગી ડોક્ટરની ચીઠ્ઠીના આધારે કોઇ પણ દર્દીનો ખાનગી અથવા સરકારી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવી શકાશે. સરકારે બહાર પાડેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ખાનગી તબીબોના પ્રિસ્ક્રિપ્શનના આધારે ખાનગી કે સરકારી લેબોરેટરી ખાતે કોરોનાનો ટેસ્ટ કરી શકાશે. આ માટે કોઇ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહિ. ખાનગી તબીબોએ તેમજ લેબોરેટરીએ જે તે જિલ્લા, કોર્પોરેશન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ઇ-મેઈલ દ્વારા જાણ કરવાની રહેશે તથા સરકાર દ્વારા માન્ય મોબાઈલ એપ્લિકેશન પર દર્દીની માહિતી અપલોડ કરવાની રહેશે. વધુમાં કોવિડ 19ના સંક્રમણ થવાની સંભાવનાને ધ્યાને રાખીને પણ દર્દીનો ટેસ્ટ કરવાની જરૂર જણાય ત્યારે આ દર્દીને અચુક દાખલ કરવાનો રહેશે દર્દીના ટેસ્ટનું પરિણામ આવે તે બાદ જ જો નેગેટિવ હોય તો દર્દીની સ્થિતિ આધારે તબીબી રજા આપી શકાશે અને જો પોઝિટિવ હોય તો સારવાર આપવાની રહેશે.
આ ઉપરાંત આઇસીએમઆર સિવાયની ગાઈડલાઈનના કિસ્સામાં જો ટેસ્ટ કરવાનો થાય તો તે સમયે જે તે હોસ્પિટલ, સારવાર કરનાર તબીબે શહેર, જિલ્લા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, મેડિકલ કોલેજ સોલા, જિલ્લા, કોર્પોરેશન સંલગ્ન આરોગ્ય અધિકારીની મંજૂરી લેવાની રહેશે. મંજૂરી આપનાર અધિકારીએ આ મંજૂરી અરજી મળ્યાના 24 કલાકની અંદર જો યોગ્ય જણાય તો આપવાની રહેશે.
