ખાનગી શાળાઓમાં આવતીકાલથી ઓનલાઇન શિક્ષણ બંધ
Live TV
-
ખાનગી શાળામાં ફી નહી વસુલવાના શિક્ષણ વિભાગના પરિપત્રને પગલે રાજ્યના ખાનગી શાળાના સંચાલકોએ લીધો નિર્ણય
આવતીકાલથી ઓનલાઇન શિક્ષણ થશે બંધ - શાળાના સંચાલકોએ કહ્યુ શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફના ખર્ચને પહોંચી વળવા માટે ફી વસુલવી જરુરી
કોવિડ -19ની પરિસ્થિતિમાં શાળાઓ દ્વારા આપવામાં આવતાં ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલાતી ફીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને હાલ શાળાઓ શરૂ થઈ શકે તેમ ન હોવાથી વિદ્યાર્થીઓને ઘરે બેઠાં શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરીને ઓનલાઈન શૈક્ષણિક કાર્ય હાથ ધરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. તો લોકડાઉનના સમયમાં સ્વનિર્ભર શાળાઓ દ્વારા માંગવામાં આવતી ફી અંગે વિવિધ અરજદારો દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, જ્યાં સુધી શાળાઓ નિયમિત રૂપે શરૂ ન થાય ત્યાં સુધી કોઈપણ શાળા ઈતર પ્રવૃત્તિઓ માટેની ફી વસુલી શકશે નહીં. જોકે વૈકલ્પિક પ્રવૃત્તિઓ/સુવિધાઓ માટેની ફી અંગે જોગવાઈ કરવામાં આવેલ હોઈ જે વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિનો લાભ લેતાં હોય તેમની પાસેથી જ તે માટેની ફી વસુલી શકાય છે. તેવામાં રાજ્યના સ્વ-નિર્ભર શાળા સંચાલક મંડળે આવતીકાલથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટે ફી વસુલવા અંગે દબાણ નહીં કરવા માટેનું સૂચન કર્યું છે. જેને ધ્યાને લઈને સ્વનિર્ભર શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલકોનો દાવો છે કે, છેલ્લા એક માસથી વધારે સમયથી શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપી રહ્યાં છે. પરંતુ શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓનાં પગાર સહિતના નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે માત્ર ફીનો જ સહારો લેવામાં આવે છે. તો પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો હતો.
