ખેડૂતોને ખેતીના પાકમાં થયેલા નુકસાનનું એસડીઆરએફના ધોરણે ચુકવશે વળતર
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ભારે વરસાદથી ખેતીવાડી ક્ષેત્રે થયેલા નુકસાન પેટે ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ-એસડીઆરએફના ધોરણો પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે..એસડીઆરએફના ધોરણ મુજબ જ્યાં ૩૩ ટકા અથવા તેથી વધુ નુકસાન થયું હશે ત્યાં જ સહાય વળતર મળવાપાત્ર થશે. કૃષિમંત્રી ફળદુએ કેબિનેટ બેઠક બાદ મીડિયાને જણાવ્યું હતું કે, આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કર્યા પછી ૩૩ ટકાથી વધુ નુકસાન થયેલી ખેતીમાં ખેડૂતોને એસડીઆરએફ હેઠળ સહાય કરવાનું સરકારે નક્કી કર્યું છે અને આ માટે સર્વે ૧૫ દિવસમાં પૂર્ણ કરવા પણ આદેશ આપ્યો છે. જે ખેતરોમાં વરસાદી પાણી ઓસરી ગયા છે, ત્યાં સર્વે શરૂ થઈ ચૂક્યો છે અને જ્યાં હજી પાણી ભરાયેલા છે, ત્યાં પાણી ઓસર્યા બાદ સર્વે કામગીરી થશે. ખેડૂત આગેવાનો, સાંસદો, ધારાસભ્યોની રજૂઆતોના પગલે નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય કરવાનું સરકારે નક્કી કર્યું છે, એમ ઉલ્લેખી કૃષિમંત્રીએ એવું પણ ઉમેર્યું હતું કે, રાજ્યમાં અંદાજે ૧૨૫ ટકાથી વધુ વરસાદને પગલે રવી અને ઉનાળુ પાકો માટે પાણી પર્યાપ્ત સંઘરાઈ ચૂક્યું છે.