ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા ગુજરાત કોનેક્સ-2023નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
Live TV
-
હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવા મુખ્યમંત્રીનું આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સ-2023નો પ્રારંભ કરાવતા હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવાનું પ્રેરક આહવાન કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નેશન બિલ્ડીંગ માટે રાજ્યના હિતને પણ વ્યવસાયિક હિત સાથે પ્રાધાન્ય આપીએ.
મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં આ ગુજરાત કોનેક્સ-2023નો આરંભ કરાવ્યો હતો. ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો, બિલ્ડીંગ સામગ્રીના મશીન તથા માઈનીંગ મશીન્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિવિધ 500 જેટલી પ્રોડક્ટસ સાથે આ પ્રદર્શનમાં ૩૦૦થી વધુ પાર્ટિસિપન્ટસ જોડાયા છે.
મુખ્યમંત્રીએ આ પ્રદર્શન પ્રારંભ સાથે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની કોફી ટેબલ બુકનું વિમોચન તથા 5 વ્યક્તિઓને એક્સલન્સ ઈન કન્સ્ટ્રક્શન સેક્ટરનાં અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વનેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ અને નેશન બિલ્ડીંગનો રાહ કંડાર્યો છે. ભારતે G-20ની સફળતા દ્વારા વિશ્વના વિકસિત દેશોના રાષ્ટ્રોના વડાઓની પણ પ્રશંસા મેળવી છે. એટલું જ નહીં, ભારત અન્ય કોઈ પણ દેશ કરતા પાછળ નથી તેવી દ્રઢ છાપ લઈને તેઓ ગયા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતને દરેક ક્ષેત્રે ગ્લોબલ પ્લેટફોર્મ આપવા પ્રધાનમંત્રીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટે હવે બે દાયકા પૂર્ણ કરીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનાં નવા બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે.
મુખ્યમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હવેના સમયની આવશ્યક જરૂરિયાત ગણાવતાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટમાં પણ આ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈઓ કરી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિત સર્વાંગી વિકાસ માટે બજેટમાં સતત વધારો કર્યો છે. 1995માં રાજ્યનું બજેટ 12 હજાર કરોડનું હતું, તે આ વર્ષે 3 લાખ કરોડ જેટલી માતબર રકમ સાથેનું ઐતિહાસિક બજેટ થયું છે.
મુખ્યમંત્રીએ કે, આ 21મી સદી જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે ત્યારે બાંધકામ ક્ષેત્રે અધ્યતન મશીનરીના ઉપયોગથી ઝડપી અને ગુણવત્તાયુક્ત કામ નીતિ અને નિયતિ બેયના સંગમથી થઈ રહ્યું છે. આરોગ્ય મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર બાંધકામ ઉદ્યોગ સહિત દરેક વર્ગોના વિકાસ માટે સદૈવ કાર્યરત છે તેની પણ વિગતો આપી હતી.
આ પ્રસંગે માર્ગ-મકાન સચિવ શ્રી એ.કે.પટેલ, વરિષ્ઠ ઇજનેરો તથા એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. GCAનાં ચેરમેન શ્રી અરવિંદ પટેલે પ્રારંભમાં આ સમગ્ર કાર્ય આયોજનનો હેતુ સ્પષ્ટ કરી રાજ્ય સરકારના સહયોગ માટે આભારની લાગણી દર્શાવી હતી.
