ગાંધીનગરમાં બ્રિક્સ યુથ સમિટનો પ્રારંભ
Live TV
-
ગાંધીનગર ખાતે ‘બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલ’નો પ્રારંભ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “યુવાનો માત્ર દેશનું ભવિષ્ય નથી, પરંતુ દેશનો મજબૂત વર્તમાન અને સૌથી મોટી શક્તિ છે.” તેમણે ગુજરાતની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાજ્યએ ચરખાથી લઈને ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર અને સ્પેસ ટેક્નોલોજી સુધી અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 33.39 ગીગાવોટને પાર પહોંચી છે. યુવા સાહસિકોને પ્રોત્સાહન આપવા ગુજરાત STI પોલિસી 2026-31 હેઠળ રૂ.1000 કરોડનું ઇનોવેશન ફંડ ફાળવવામાં આવ્યું છે.
સમિટમાં ભાગ લેનારા 11 દેશોના યુવા પ્રતિનિધિઓ કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેશે. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ‘ફ્રેન્ડ્સ ઓફ માય ભારત’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું અને ‘ડિજિટલ કોમ્પેન્ડિયમ ઓફ વોલન્ટિયરિંગ પ્રેક્ટિસીસ’નું વિમોચન કરાયું.નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે મજબૂત મિત્રતા કેળવી ટકાઉ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
