મુખ્યમંત્રીના અમેરિકાના પ્રવાસના ત્રીજા દિવસે ટેક કંપનીઓ સાથે બેઠક
Live TV
-
વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027ના સંદર્ભમાં અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ગુજરાત પ્રતિનિધિમંડળે પ્રવાસના ત્રીજા દિવસે માઈક્રોન અને ગૂગલની મુલાકાત લીધી હતી.
ઉપરાંત ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ (TiE)ના સભ્યો સાથે બેઠક અને પર્પ્લેક્સિટી AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજાઈ હતી.માઈક્રોનના ચેરમેન સંજય મહેરોત્રાએ સાણંદ ખાતેની ફેસિલિટી માટે 20 એકર જમીનની ઝડપી મંજૂરી બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સાણંદ અને ધોલેરાને સેમિકન્ડક્ટર ક્ષેત્રના મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે વિકસાવવાની રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ ચંદુ થોટાએ ગુજરાત સાથે યુવા કૌશલ્ય વિકાસ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI તાલીમ તેમજ કૃષિમાં પાક પેટર્ન, માટી અને આબોહવા સંબંધિત ક્ષેત્રોમાં AIના ઉપયોગ માટે સહકારની તૈયારી દર્શાવી હતી. ડેટા સુરક્ષા ક્ષેત્રે પણ ચર્ચા કરવામાં આવી હતી.પર્પ્લેક્સિટી AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથેની બેઠકમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ અને સંશોધન-વિકાસ માટે કંપનીની હાજરી તથા ડેટા સેન્ટર અને હાઇબ્રિડ સેટઅપની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી.
TiEના સભ્યોએ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્ર, આરોગ્ય કર્મચારીઓની તાલીમ અને વિવિધ AI ટૂલ્સના માધ્યમથી યુવા કૌશલ્ય વિકાસ માટે સહયોગમાં રસ દર્શાવ્યો હતો. બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
