ગાંધીનગર ખાતે રાજ્ય શ્રમ પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો, 4 કેટેગરીમાં 64 પારિતોષિક એનાયત
Live TV
-
ગાંધીનગર ખાતે રાજ્ય શ્રમ પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રાજ્યમાં 7 જિલ્લાના નવા 12 કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ થયો. કાર્યક્રમમાં ITI-ગીર ગઢડા અને ITI-પાવી જેતપુરના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે શ્રમ વિભાગ હેઠળની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય પણ વિતરણ કરવામાં આવી.
આ કાર્યક્રમ દરમિયાન ઔદ્યોગિક શાંતિ જાળવવામાં અગ્રેસર કામગીરી કરી હોય, પોતાના જીવના જોખમે અન્ય શ્રમિકોના જીવ બચાવ્યા હોય અથવા ઉદ્યોગની ઉત્પાદકતા અને ઉત્પાદનને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોય તેવા 64 શ્રમિકોને રાજ્ય શ્રમ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં 16 શ્રમિકોને રાજ્ય શ્રમરત્ન, 16 શ્રમિકોને રાજ્ય શ્રમભૂષણ, 16 શ્રમિકોને રાજ્ય શ્રમવીર તેમજ 16 શ્રમિકોને રાજ્ય શ્રમશ્રી પારિતોષિક તેમજ કુલ 8,80,000 રૂપિયાના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારની કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી સાથે શોભિત યુનિવર્સીટી-મેરઠ, અમદાવાદ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ તેમજ વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવર્સીટી-સુરતે MoU સાઈન કર્યા હતા.
કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવ્યું કે, ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, તેને ત્રીજા સ્થાને લઇ જવા પ્રધાનમંત્રીએ આગામી 25 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે. ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ગુજરાતની સ્કિલ ઇકોસીસ્ટમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એક સમયે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં માત્ર 4 કોર્ષ ચાલતા હતા, તેની જગ્યાએ આજે વિવિધ કૌશલ્યોમાં યુવાનોને તાલીમબદ્ધ કરવા 50થી વધુ કોર્ષ ચાલી રહ્યા છે. આગામી 25 વર્ષમાં ભારતમાં આવતા વિવિધ ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા રાજ્ય સરકાર સમયાંતરે નવા કોર્ષનો પણ સમાવેશ કરશે. વિશ્વના પાંચ દેશો પૈકી ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં સેમીકંડક્ટર ઉદ્યોગની સ્થાપના થઇ રહી છે. ત્યારે સેમીકંડક્ટર ઉદ્યોગને અનુરૂપ સ્કિલ્ડ મેનપાવર પૂરું પાડવા ગુજરાત સરકારે કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટીમાં નવા અભ્યાસક્રમો શરુ કર્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે રાજ્યના વધુમાં વધુ શ્રમિકો ઔદ્યોગિક શાંતિ અને ઉત્પાદકતા વધારા તરફ પ્રેરાય તે માટે રાજ્ય સરકાર શ્રેષ્ઠ કામગીરી કરતા શ્રમિકોને દર વર્ષે રાજ્ય શ્રમ પારિતોષિક અને પ્રોત્સાહક રકમ આપે છે
મંત્રી બલવંતસિંહ રાજપૂતે માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં શ્રમિક પરિવારોને માત્ર 5 રૂપિયાના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ગુજરાતના 17 જિલ્લામાં 278 કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આજે વધુ નવા 12 કેન્દ્રોનો શુભારંભ થતા વધુમાં વધુ શ્રમિકોને તેનો લાભ મળી શકશે.
