'સિટી બ્યુટી કોમ્પિટિશન'માં વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓનો એવોર્ડ વિતરણ સમારોહ
Live TV
-
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારના હસ્તે એવોર્ડ વિતરણ કરાયા. કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત સિટી બ્યુટી કોમ્પિટિશનમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહાનગર પાલિકા અને નગરપાલિકાને એવોર્ડ મળ્યા છે.
આ એવોર્ડ વિતરણ સમારોહમાં હેરિટેજ કેટેગરીમાં પ્રથમ ક્રમે વડોદરાનું લક્ષ્મી વિલાસ પેલેસ, દ્વિતીય ક્રમે અમદાવાદની ઢાળની પોળ અને તૃતીય સ્થાને સુરત ફોર્ટને રીસ્ટોરેશન અને રીડેવલપમેન્ટ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રીન સ્પેસ કેટેગરીમાં પ્રથમ ક્રમે અમદાવાદના લોકમાન્ય તિલક ગાર્ડન, દ્વિતીય ક્રમે સ્વામી વિવેકાનંદ પાર્ક - કોડીનાર નગરપાલિકાને અને તૃતીય ક્રમે ફ્લાવર પાર્ક - અમદાવાદ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો બીજી તરફ કોમર્શિયલ કેટેગરીમાં પ્રથમ ક્રમે ગુજરી બજાર - અમદાવાદ મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે જનમહલ અર્બન ટ્રાન્સપોર્ટ હબ - વડોદરા મહાનગર પાલિકા અને તૃતીય ક્રમે પુષ્કર ધામ હોકર્સ ઝોન - રાજકોટ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે. વોટર ફ્રન્ટ કેટેગરીમાં પ્રથમ ક્રમે સાબરમતી રિવરફ્રન્ટ - અમદાવાદ મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે ગોપી તળાવ - સુરત મહાનગર પાલિકા અને તૃતીય ક્રમે કાંકરિયા લેક ફ્રન્ટ - અમદાવાદ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વોર્ડ કેટેગરીમાં ભાતર - વેસુ - ડુમસ વોર્ડ નં.22 - સુરત મહાનગર પાલિકાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અશ્વિની કુમારે જણાવ્યું કે નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત સ્વચ્છતાને મિશન તરીકે લઈ રાજ્યભરમાં સ્વચ્છતા જાળવણી સંબંધિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં આપ સૌની સક્રિય ભાગીદારી રાજ્યને સ્વચ્છ અને નિર્મળ બનાવવામાં મહત્વની સાબિત થશે.
