ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે થયો પ્રારંભ, પરિક્રમાના માર્ગે 3 હજાર પોલીસકર્મીઓ ખડેપગે
Live TV
-
પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર 3 હજાર જેટલા પોલીસકર્મીઓ ખડેપગે છે.
ગિરનારની લીલી પરિક્રમાનો દેવ ઉઠી અગિયારસની મધરાતે પરંપરાગત રીતે સાધુ-સંતો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરવા ઉમટી પડ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે જૂનાગઢ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર 3 હજાર જેટલા પોલીસકર્મીઓ ખડેપગે છે. જિલ્લા પોલીસ વડાએ પરિક્રમા દરમિયાન કોઈપણ જાતની મુશ્કેલી પડે તો તાત્કાલિક નજીકના પોલીસ પોઇન્ટ પર સંપર્ક કરવા અપીલ કરી છે.
દેવ ઉઠી અગિયારસની સવારથી સાધુ સંતો દ્વારા ભવનાથમાં તમામ દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું. રાત્રે 12 કલાકે પરંપરાગત રીતે વિધિ અનુસાર ગુરુદત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પરિક્રમા ગેટ પર રીબીન કાપી શ્રીફળ વધારીને પરિક્રમમાંથીઓને પરિક્રમા કરવા રવાના કર્યા હતા. સાધુ-સંતો વહીવટી તંત્રના અધિકારીઓ અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. સાધુ સંતોએ પરિક્રમા દરમિયાન ગિરનારને સ્વચ્છ રાખવા અપીલ કરી છે.
ગિરનારની લીલી પરિક્રમામાં પ્રથમવાર પોલીસ અધિકારી પેરામોટરિંગથી સતત નજર રાખી રહ્યા છે. પરિક્રમાના રૂટ પર હવાઈ નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે, ઇમરજન્સી સમયે મદદ પહોંચી શકે છે. શ્રદ્ધાળુઓ સુધી વહેલી તકે મદદ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.