વડોદરા: કરજણ તાલુકામાં 28 નવેમ્બરથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ 84 ગામોમાં પરિભ્રમણ કરશે
Live TV
-
કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી પહોંચાડવા માટે 5 આધુનિક રથો પરિભ્રમણ માટે સજ્જ છે.
વડોદરામાં 28 નવેમ્બરથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો જિલ્લાવ્યાપી શુભારંભ થશે. સરકારી યોજનાઓને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઈ જવા માટે એક પણ લાભાર્થી છૂટી ના જાય તે માટે વડોદરા જિલ્લામાં બે માસ સુધી આ યાત્રા જિલ્લાના 536 ગામોમાં પ્રચાર-પ્રસાર કરશે. કેન્દ્ર સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવા માટે 5 આધુનિક રથો પરિભ્રમણ માટે સજ્જ છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 28 નવેમ્બરથી 8 જાન્યુઆરી સુધી રથ નંબર-1 કરજણ તાલુકાના 84 ગામોમાં પરિભ્રમણ કરશે. કરજણ તાલુકાના મીયાગામથી રથ નંબર-1નું પ્રસ્થાન કરવામાં આવશે, જે રણાપુર ગામ ખાતે આવીને પૂર્ણ થશે. ત્યારબાદ આ રથ શિનોર તાલુકામાં પ્રવેશ કરશે.
28 નવેમ્બરે મીયાગામ પ્રાથમિક શાળાથી શરૂ થઈને રથ નંબર-1બપોર પછી માંગરોલ ગામ ખાતે મુકામ કરશે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે આ રથ પ્રતિ દિન કરજણ તાલુકાના બે ગામની મુલાકાત લેશે અને પોતાના મુકામ દરમિયાન લોકોને સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે. રથના પરિભ્રમણ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
ગામેગામ આ યાત્રાનું સ્વાગત, મેસેજ પ્લેયિંગ, લાભાર્થીઓની સાફલ્યગાથાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં સૌને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ યાત્રામાં અધિકારીઓ સાથે પદાધિકારીઓ પણ સહભાગી થશે. મહત્વનું છે કે, સરકારી યોજનાઓના લાભથી વંચિત નાગરિકોને આ યોજનાઓના લાભ અપાવી 100 ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.