મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીરાણા ખાતેથી રાજ્યવાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પીરાણા ખાતેથી રાજ્યવાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ખેતીને આધુનિક અને સફળ બનાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. આજે ડ્રોન દ્વારા ખેતી શક્ય બની છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે, 62 લાખ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. અત્યાર સુધી 15 કૃષિ મહોત્સવમાં 2 કરોડ જેટલા ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન મળ્યું છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો.
રાજ્યભરના 248 તાલુકાઓમાં બે દિવસીય 'રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૩' ઊજવણી શરૂ થઇ ગઇ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ થકી ખેડૂતોને વિવિધ યોજનાઓ અને કૃષિક્ષેત્રે ઉપયોગી ટેકનોલોજીની માહિતી પૂરી પાડવામાં આવશે. કૃષિ મહોત્સવમાં પરિસંવાદ, કૃષિપ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના ફાર્મની મુલાકાત જેવા કાર્યક્રમો યોજાશે. વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું વિતરણ કરવામાં આવશે.
ગાંધીનગર: કૃષિ મહોત્સવ
ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાશે. પ્રાકૃતિક ખેતી તથા અન્ય ખેતી કરતા ખેડૂતો અને કૃષિ તજજ્ઞો દ્વારા વિવિધ કૃષિ સંલગ્ન માહિતી તેમજ રાજય સરકારની કૃષિલક્ષી યોજનાઓની પણ માહિતી આપવામાં આવશે. ખેડૂતો માટે કૃષિ પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેશે. કાર્યક્રમના સ્થળે સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાશે.
સુરેન્દ્રનગર: કૃષિ મહોત્સવ
સુરેન્દ્રનગરમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં 15 સ્ટોલ કૃષિ, બાગાયત, વીજ નિગમ એગ્રો ઇન્ડસ્ટ્રિઝ વગેરેના હશે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભોની માહિતી આપતા 15 સ્ટોલ હશે. જીલ્લાના નાગરિકો આ સ્ટોલ પરથી વિવિધ સરકારી સેવાઓનો લાભ લઇ શકશે.