ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં સ્થપાશે ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’
Live TV
-
ગુજરાતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોને સુરક્ષિત અને સુખદ અનુભવ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોએ અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં ત્રણ જિલ્લાની પસંદગી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, પ્રથમ તબક્કે રાજ્યના ત્રણ મુખ્ય પ્રવાસન કેન્દ્રો— ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં આ વિશેષ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ પ્રવાસીઓને કાયદો અને વ્યવસ્થાની સાથે-સાથે મિત્રતાભર્યું વાતાવરણ પૂરું પાડવાનો છે.વિશેષ ઓળખ અને અત્યાધુનિક સુવિધાઓ
આ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સામાન્ય પોલીસ સ્ટેશનો કરતા અલગ તરી આવશે:સ્પેશિયલ યુનિફોર્મ અને લોગો: પ્રવાસીઓ પોલીસને તુરંત ઓળખી શકે તે માટે કર્મચારીઓ માટે ખાસ યુનિફોર્મ અને વાહનો માટે વિશિષ્ટ 'લોગો' ડિઝાઇન કરવામાં આવશે.
માળખાકીય સુવિધાઓ: જ્યાં અગાઉથી પોલીસ ચોકીઓ છે તેને અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત, કન્ટેનર આધારિત 'હેલ્પ ડેસ્ક' અને 'કિયોસ્ક' દ્વારા પ્રવાસીઓને ત્વરિત સહાય પૂરી પાડવામાં આવશે.
ડિજિટલ કનેક્ટિવિટી: પ્રવાસીઓની સુવિધા માટે એક સેન્ટ્રલ 'ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન' વિકસાવવામાં આવશે, જેમાં સુરક્ષા અને પ્રવાસન સ્થળોની તમામ માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.
