ગુજરાતનાં નાળિયેરી વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ
Live TV
-
ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે. ગુજરાતમાં વર્ષ 2012-13માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21, 120 હેક્ટર હતો, જે વર્ષ 2022-23માં વધીને 25,672 હેક્ટરે પહોંચ્યો છે.
કૃષિ અર્થતંત્રમાં નાળિયેરના મહત્વને રેખાંકિત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે “ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ” અમલી બનાવ્યો છે. જેના માટે બજેટમાં રૂ. 403.30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો નાળિયેરની ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી વિવિધ પ્રોત્સાહન આપવામાં આવે છે. દા.ત. ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ હેઠળ નાળીયેરી ખેડૂતને વાવેતર માટે ખર્ચના ૭૫% મુજબ મહત્તમ રૂ.૩૭,૫૦૦/- પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય તરીકે આપવામાં આવે છે. આ સહાય બે હપ્તામાં(૭૫:૨૫) ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના ૫૦% મુજબ મહત્તમ રૂ.૫૦૦૦/- પ્રતિ હેકટરે સહાયપેટે આપવામાં આવે છે. રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે ખર્ચના મહતમ ૯૦% મુજબ રૂ.૧૩૦૦૦ પ્રતિ હેક્ટરે સહાય તરીકે ચૂકવાય છે.
નાળિયેરની મૂલ્યવૃદ્ધિ કરી તેમાંથી તેલ, વર્જિન કોકોનટ ઓઈલ, નાળિયેરનું દૂધ, કોકોનટ કુકી, કોકોનટ બરફી, વિનેગર, ફ્લેક્સ, ચિપ્સ, ઓઈલ કેક અને નીરા વગેરે બનાવી શકાય છે. નાળિયેરના તેલનો ઉપયોગ ખાદ્ય તેલ ઉપરાંત ટોયલેટરી અને અન્ય ઉદ્યોગોમા પણ થાય છે. નાળિયેરના દૂધનો ઉપયોગ એલર્જી માટેના ઔષધોમાં પણ થાય છે. દરેક જૂથ માટે ઉપયોગી એવા નાળિયેરના દૂધનો ઉપયોગ નવજાત શિશુને પીવડાવવામાં વિશેષ રીતે કરવામાં આવે છે. નાળિયેરનું દૂધ ડાયાબિટિસ, સ્થૂળતા, પિત્તાશયના રોગ, સ્વાદુપિંડનો સોજામાં ઉપયોગી છે. આમ, નાળિયેર એ સાચા અર્થમાં ગુજરાતના અર્થતંત્ર માટે શ્રીફળ એટલે કે શુભ ફળ બની રહ્યું છે.