રાજ્યમાં ચાલુ વર્ષે ૬૬ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેંટર શરુ થશે
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકોની ઈઝ ઑફ લિવિંગને સુદૃઢ બનાવવા માટે ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન રાજ્યની ૬૬ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નાના શહેરોમાં શરુ થનારા આ સિટી સિવિક સેન્ટરો માટે સરકારે રૂ. ૩૩ કરોડની ફાળવણી કરી છે.
રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં મોટાભાગે શહેરીજનોની સુવિધા માટે સિટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ જરૂરિયાતને જોતા રાજ્ય સરકાર નાના શહેરોમાં પણ એક પછી એક સિટી સિવિક સેન્ટર શરુ કરી રહી છે. સિટી સિવિક સેન્ટરમાં શહેરીજનો મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ગટર જોડાણની અરજી, હૉલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજા ચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી મહાનગર પાલિકાઓ-નગર પાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ ઑનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ, સિટી સિવિક સેન્ટર નાગરિકો માટે વન સ્ટોપ શૉપ તરીકે કામ કરે છે. સિટી સિવિક સેન્ટરો મારફતે શહેરીજનોના વ્યવસાય વેરાના ૨૨૯૩, શૉપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેંટને લગતા ૨૨૬, લગ્ન નોંધણીને લગતા ૨૧૩૮, મિલકત વેરાને લગતા ૪૨૯૫૫ કામો એક જ છત હેઠળ થયા છે.
ગુજરાતમાં ૧૫૭ નગરપાલિકાઓ છે કે જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટર ખોલવા માટે સહાય અપાય છે. વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યની ૨૨ નગરપાલિકાઓમાં ૨૨ સિટી સિવિક સેન્ટર શરૂ કરાયા હતા અને હવે વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં ૬૬ સિટી સિવિક સેન્ટરો શરુ થશે કે જેથી રાજ્યની નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરોની સંખ્યા વધીને ૮૮ થઈ જશે.