ગુજરાતના દરિયાકિનારેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, કોસ્ટગાર્ડ-ATSનું સંયુક્ત ઓપરેશન
Live TV
-
દરિયાકિનારે ભારતીય કોસ્ટગાર્ડના જહાજને જોતા જ તસ્કરોએ ડ્રગ્સને દરિયામાં ફેંક્યું હતું..દરિયામાંથી આ ડ્રગ્સ મેળવી ATSએ વધુ તપાસ હાથ ધરી છે...
રાજ્યના દરિયાકિનારેથી ફરીથી ડ્રગ્સનો મસમોટો જથ્થો મળી આવ્યો છે.ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાતના ATSએ કાર્યવાહી કરીને 1800 કરોડની કિમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે... પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાંથી આ ડ્રગ્સ મળ્યું છે. ATSને મળેલ બાતમીને આધારે IMBL નજીક મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. આ બોટમાં સવાર લોકોને જાણ થતા જ તેઓ તમામ ડ્રગ્સ પાણીમાં ફેંકીને સરહદ પાર કરીને ભાગી ગયા હતા .. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી જાણકારી આપી હતી.
ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSને મળી મોટી સફળતા
મળતી માહિતી મુજબ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા. કોસ્ટગાર્ડ અને ATSનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. જેમાં કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી અને બાદમાં પકડી લીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13મી એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી.
અગાઉ પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં તાજેતરના વર્ષોમાં, ICG અને ATSએ અનેક સંયુક્ત કામગીરીમાં મોટી માત્રામાં માદક દ્રવ્યો જપ્ત કર્યાં છે. ગયા વર્ષે, એપ્રિલ 2024માં, ICGએ પોરબંદર કિનારા નજીક એક પાકિસ્તાની બોટમાંથી 600 કરોડની કિંમતનું 86 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને 14 પાકિસ્તાની ક્રૂ સભ્યની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરી 2024માં, ભારતીય નૌકાદળ અને NCBએ પોરબંદર નજીક 3089 કિલો હશીશ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિન સહિત કુલ 3300 કિલોનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની કિંમત 1300થી 2000 કરોડ રૂપિયા થઈ હતી.