ગુજરાતના પવિત્ર યાત્રાધામો ખાતે વર્ષ 2025-26 દરમિયાન 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લાભ લીધો
Live TV
-
ગુજરાતના પવિત્ર યાત્રાધામો ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે ગત વર્ષ 2025-26 દરમિયાન કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લાભ લીધો હતો.
તેમાં પાવાગઢ ખાતે 23.43 લાખ, અંબાજી ખાતે 15.58 લાખ અને ગિરનાર ખાતે 8.31 લાખથી વધુ યાત્રાળુઓનો સમાવેશ થાય છે.જૂનાગઢનો 2.12 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વે પૈકીનો એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. રોપ-વેના 31 કેબિન દ્વારા પ્રતિ કલાક આશરે 1,000 મુસાફરોનું પરિવહન થાય છે અને આશરે 9 મિનિટની મુસાફરી દરમિયાન ગિરનાર પર્વતના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકાય છે.
ગિરનાર રોપ-વે યાત્રાળુઓને અંબાજી મંદિર સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપે છે. પાવાગઢ અને અંબાજી રોપ-વે પણ યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ પરિવહન સુવિધા બની રહ્યા છે. ત્રણેય સ્થળોએ વેઇટિંગ હોલ, ફૂડ કોર્ટ, ફર્સ્ટ એઇડ, વ્હીલચેર, પીવાનું પાણી અને શૌચાલય સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે.દિવ્યાંગ યાત્રાળુઓને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ‘શરદ મહોત્સવ’ હેઠળ STEM એક્સકર્શન માટે વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.
