ગુજરાતના માટીકામ કારીગરો તેલંગણાના કારીગરોને તાલીમ આપશે
Live TV
-
માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનની મુલાકાતે આવેલા તેલંગણાના બેકવર્ડ ક્લાસ વેલફેર મંત્રી જોગુ રમન્ના ગારુ
તેલંગણા રાજ્યના બેકવર્ડ ક્લાસ વેલફેર મંત્રી અને મોસ્ટ બેકવર્ડ ક્લાસ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન જોગુ રમન્ના ગારુ તા.૫, ૬ અને ૭ એપ્રિલ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. જેના ભાગ રૂપે મંત્રી ગારુ ગાંધીનગરમાં આવેલી માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સંસ્થાનના અધ્યક્ષ દલસુખભાઇ પ્રજાપતિએ ઉપસ્થિત રહીને સંસ્થાનની કામગીરી અંગે ગારૂને માહિતગાર કરાવ્યા હતા.
મંત્રી ગારૂ સંસ્થાના ઉદ્દેશો તેમાંથી ઉભી થતી રોજગારી અને આ અંગેની નવીન તકો, નવા નવા સંશોધન, ટેકનોલોજીનો ઉપયોગ અને આપ-લે સંસ્થાન દ્વારા ચલાવાતા વિવિધ કૌશલ્ય તાલીમ કાર્યક્રમો તેમજ માટીકામના કારીગરો માટે અમલી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિગતસર માહિતી મેળવીને આ સંસ્થાની કામગીરીથી તેઓ પ્રભાવિત થયા હતા.
ગુજરાતના માટીકામ કલા કારીગરો તેલંગણાના માટીકામ કારીગરોને તાલીમ આપશે. આ ઉપરાંત મંત્રી ગારુ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર સાથે મુલાકાત કરીને ક્ષેત્રના વિકાસ માટે ચર્ચા-વિચારણા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રી ગારુ તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન અમદાવાદ અને વાંકાનેરની વિવિધ સંસ્થાઓની પણ મુલાકાત લેશે.
ગુજરાત માટીકામ કલાકારી રૂરલ ટેકનોલોજી સંસ્થાનએ રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થાનો મુખ્ય અભિગમ ગ્રામ વિકાસમાં સમુચિત ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવાના સઘળા પ્રયાસોનું સંકલન કરીને ગ્રામ કારીગરોના તથા કુટિર ઉદ્યોગના વિકાસ દ્વારા ગ્રામ વિકાસની પ્રક્રિયાને વેગીલી બનાવવાનો છે. સંસ્થા દ્વારા તેના ઉદ્દેશોને સિદ્ધ કરવા સંશોધન અને વિકાસ તેમજ સ્વરોજગારીની તકોના સર્જન માટે કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે, તેમ ગુજરાત માટીકામ કલાકારી રૂરલ ટેકનોલોજી સંસ્થાન-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.