Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ પદભાર સંભાળ્યો

Live TV

X
  • ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયેલા વરિષ્ઠ સનદી અધિકારી પંકજ જોષીએ ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો.

    રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ જોષીને નિવૃત થઈ રહેલા મુખ્ય સચિવ રાજકુમારે નવીન જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય સચિવ પંકજ જોષીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્‍ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જીન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્યનો અગ્રીમ વિકાસ થયો છે, અને આવનારા સમયમાં પણ ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. 

    ભારત સરકાર અને ગુજરાત સરકારનું એક જ વિઝન રહ્યું છે, ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા અનેક પ્રયત્નો કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશો, તેમ જણાવી મુખ્ય સચિવે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત 2047’ વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોકયુમેન્ટ બે થીમ પર આધારિત છે, અર્નીગ વેલ અને લીવિંગ વેલ આ બંને થીમને ધ્યાને રાખીને રોડ મેપ તૈયાર કરવામાં આવશે. 

    આ સાથે વય નિવૃત્ત થતાં ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારને રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ‌ તેમજ વિવિધ વિભાગોના વડા અધિકારીઓએ ભાવભરી વિદાય આપીને સુખમય અને સ્વસ્થ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર સહિત વિવિધ સનદી અધિકારીઓએ રાજકુમાર સાથે તેમણે કરેલા કાર્યોના સ્મરણ યાદ કરીને તેમની વહિવટી કુશળતાને બિરદાવી હતી.  

     

X
apply