ગુજરાતના હરિપુરામાં નેતાજીની જન્મજયંતી નિમિત્તે યોજયો વિશેષ કાર્યક્રમ
Live TV
-
ગુજરાતના હરિપુરામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. વર્ષ 1938ના ઐતિહાસિક હરિપુરા સંમેલનમાં નેતાજીએ કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે હરિપુરામાં હાજર રહ્યા હતા.
આજે સ્વતંત્ર સેનાની સુભાષચંદ્ર બોઝની જન્મજ્યંતિની ઉજવણી સમગ્ર દેશમાં પરાક્રમ દિવસ તરીકે થઇ રહી છે ત્યારે સુરત પાસે આવેલા બારડોલીના હરિપુરા ખાતે પણ મોટાપાયે રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે લોકનૃત્ય, સરઘસ તેમજ વિવિધ જાહેરસભાઓનું આયોજન કરાયું છે, જેમાં સવારથી જ સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હરિપુરા ગામ ઐતિહાસિક રીતે ખુબ મહત્વનું છે. કારણ કે, 1938માં નેતાજીએ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. ત્યારે આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આજે આ ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નેતાજીએ કોંગ્રેસના અધ્યક્ષપદે રહી ઘણા ક્રાંતિકારી પગલાઓ લીધા હતા, પણ કોંગ્રેસના લોકો તેની સાથે સહમત નહોતા થયા અને તેના લીધે એમણે કોંગ્રેસ છોડી આઝાદ હિંદ ફોજની રચના કરી અંગ્રેજો સામેની પોતાની લડત ચાલુ રાખી હતી, કોંગ્રેસની સરકારે ખરા દેશભક્તોની દરકાર નથી કરી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા અને નેતાજીના સાચા ઈતિહાસને લોકો સમક્ષ મુકી રહ્યા છે.
આજના દિવસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ યાદ કર્યો હતો અને ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, નેતાજીની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ મારું મન ભૂતકાળમાં 23 જાન્યુઆરી 2009ના દિવસમાં જતું રહ્યું છે જ્યારે હરિપુરાથી જ ઇ-ગ્રામ વિશ્વગ્રામ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ-ગ્રામ વિશ્વગ્રામ પહેલે ગુજરાતના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવી દીધી છે અને તેના ફળરૂપે આજે ટેકનોલોજી રાજ્યના સૌથી અંતરિયાળ વિસ્તારોમાં ગરીબો સુધી પણ પહોંચી છે. હું હરિપુરાના લોકોના સ્નેહને ક્યારેય ભૂલી શકુ તેમ નથી. તેમણે 1938માં નેતાજી બોઝને જે માર્ગે લઇ જવામાં આવ્યા હતા તે માર્ગે જ વિશાળ શોભાયાત્રા કાઢીને મને તેઓ લઇ ગયા હતા. તેમની શોભાયાત્રામાં શણગારેલા 51 બળદગાડાં સામેલ કરવામાં આવ્યા હતા. હરિપુરામાં નેતાજી જ્યાં રોકાયા હતા તે સ્થળની પણ મેં મુલાકાત લીધી હતી. આમ પ્રધાનમંત્રીએ પણ તેમની 2009ની તેમની હરિપુરાની મુલાકાતને યાદ કરી હતી અને ગુજરાત સાથેના સુભાષચંદ્ર બોઝના સ્મરણોને વાગોળ્યા હતા.
