ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી યોજાશે મોક ડ્રીલ, ગૃહમંત્રીએ આપી માહિતી
Live TV
-
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત બાદ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે દેશમાં મોક ડ્રીલ થશે. આવતીકાલે બુધવારે (7 મે, 2025) રોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોંફરન્સ કરીને માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોક ડ્રીલ માટેની સૂચનાઓ આપી હતી. મોક ડ્રીલ માટેની ગુજરાત સરકારે તૈયારીઓ કરી છે, ત્યારે ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે બુધવારની સાંજે 4 થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. જ્યારે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે. અંધારુ થતાં જ ઔદ્યોગિક વિસ્તારો સહિત તમામ સ્થળે બ્લેક આઉટ કરાશે. મોક ડ્રીલ સંદર્ભે મુખ્યમંત્રીએ તમામ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક લીધી છે.
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે 7 મેની સાંજે 4 વાગ્યે મોક ડ્રીલ થશે. સિવિલ ડિફેન્સની ગાઈડલાઈન પ્રમાણેની તૈયારિયો થશે. આ પરિસ્થિતિમાં શું કરવું-શું ન કરવું તે બાબતોની માહિતી અપાશે. સરપંચોને પણ મોક ડ્રીલમાં જોડવામાં આવ્યા છે. જેમાં 4 વાગ્યે સાયરન મોક ડ્રીલ થશે. સાંજે 7:30 વાગ્યે બ્લેક આઉટનું મોક ડ્રીલ થશે. તમામ લોકો સાંજે 7:30 કલાકે બ્લેક આઉટની તૈયારીઓમાં રહેવું. જેમાં ઘર, ઓફીસ, ફેક્ટરી સહિતના સ્થળો પર આ મોક ડ્રીલ થશે.
ગુજરાતના સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, કચ્છ-ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર, ભરૂચ, ડાંગ, મહેસાણા, નર્મદા અને નવસારી સહિતના 18 શહેરોમાં મોક ડ્રીલ યોજાશે. અંધારુ થતાં જ ઔદ્યોગિક વિસ્તારો સહિત તમામ સ્થળે બ્લેક આઉટ કરાશે.
અમદાવાદ શહેરમાં લાલ દરવાજા, સિંધુ ભવન, જગન્નાથ મંદિર, જીએમડીસી બિલ્ડિંગ- વસ્ત્રાપુર, વાયએમસીએ ક્લબ-એસ.જી. હાઈવે, આરટીઓ કચેરી, રાણીપ, અંકુર સ્કૂલ-પાલડી, દીવાન બલ્લુભાઈ સ્કૂલ-કાંકરિયા, મ્યુનિસિપલ કોઠા- દાણાપીઠ, મેમનગર ફાયર સ્ટેશન સહિત 10 સ્થળે સાઇરન ઈન્સ્ટોલ કરાઈ છે. એવી જ રીતે, ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પણ સાંજે 4:00 ચાર વાગ્યાથી મોક ડ્રીલ કરાશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે મીડિયાને વિગતો આપતા સામાન્ય નાગરિકોએ મોક ડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપતાં કહ્યું કે, આવી પરિસ્થિતમાં નાગરિકોએ આટલું કરવું જોઈએ:
- ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (૧) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.
- કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
- તા. 7/5/2025ના રોજ રાજ્યમાં સાંજે 7:30 થી 8 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.
- નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.ગૃહ રાજ્ય મંત્રીએ મોક ડ્રીલ માટે પગલાવાર પ્રક્રિયાની વિગતો આપતાં જણાવ્યું હતું કે,
- ઇન્ડિયન એર ફોર્સે હોટલાઇન દ્વારા સિવિલ ડિફેન્સને ગુપ્ત સંદેશ મોકલ્યો
- સિવિલ ડિફેન્સ/જાગૃત નાગરિકો સાયરન/SMS દ્વારા નાગરિકોને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે મદદ કરે છે.
- સિવિલ ડિફેન્સ જાગૃત નાગરિકો SMS દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે.
- ફાયર ફાઇટર નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢવામાં મદદ કરે છે અને તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે.
- PWD કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે.
- વન વિભાગનો સ્ટાફ યુદ્ધ સ્થળોએથી પ્રાણીઓને બહાર કાઢવાની કામગીરી કરે છે.
- પોલીસની મદદમાં રહી હોમગાર્ડ કાયદો અને વ્યવસ્થા જાળવશે.
- મહેસૂલ અધિકારીઓ દેખરેખ રાખશે.
- એકંદર સ્થિતિમાં જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે.
- પોલીસ ખાતાએ આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની હોય છે.
- વિદ્યાર્થીઓ સહિત સામાન્ય પ્રજાને સિવિલ ડિફેન્સ, SDRF અને SRP દ્વારા સંવેદનશીલ બનાવવાની અને જાગૃતિ વિસ્તૃત કરવાની દિશામાં તાલીમ આપવામાં આવશે.
- ગામનાં સરપંચોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્ષ 1962માં થયેલા ચીનના આક્રમણ પછી ભારત સરકારે અન્ય દેશો અનુસાર ભારત દેશમાં પણ નાગરિક સંરક્ષણ તંત્ર વર્ષ 1963થી શરૂ કર્યું છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પણ પ્રજાજનોને બચાવવા તથા ઔદ્યોગીક ઉત્પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું છે. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પુર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જીત (અકુદરતી) આફતો જેવી કે, કોમી રમખાણો, મોટી આગ, મોટા અકસ્માત વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ પદાધિકારી/સ્વયંસેવકો ખડેપગે હાજર રહી પ્રજાની સેવાકીય ફરજ બજાવે છે.
