ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ MSME માટે વ્યાપક સહાય
Live TV
-
ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે નવી સહાય યોજના જાહેર કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમલમાં આવેલી આ યોજના 1 જૂન, 2026થી 31 મે, 2031 સુધી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે.યોજના હેઠળ ઉદ્યોગોને મૂડી રોકાણ, ટર્મ લોનના વ્યાજ, વીજળી, રોજગાર, ટેક્નોલોજી, ગુણવત્તા પ્રમાણપત્ર, પેટન્ટ, AI અને ઊર્જા-પાણીની બચત માટે વિવિધ પ્રોત્સાહનો મળશે. કેટેગરી-Aમાં સંયુક્ત સહાયની મહત્તમ મર્યાદા પાત્ર સ્થિર મૂડી રોકાણના 45 ટકા અને કેટેગરી-Bમાં 35 ટકા રહેશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સ માટે આ મર્યાદા અનુક્રમે 50 અને 45 ટકા રહેશે. મહિલા ઉદ્યોગસાહસિકો, મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સ અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને એક ટકા વધારાની વ્યાજ સહાય પણ મળશે.
નવા રોજગાર સર્જન માટે એમ્પ્લોયર EPF યોગદાનની 100 ટકા સુધી પાંચ વર્ષ માટે ભરપાઈની જોગવાઈ છે. ટેક્નોલોજી અપનાવવા, પેટન્ટ નોંધણી, ગુણવત્તા પ્રમાણપત્ર, SME એક્સચેન્જ મારફતે મૂડી ઊભી કરવા તથા કોલેટરલ-ફ્રી લોન માટે પણ સહાય આપવામાં આવશે. પસંદગીના ક્ષેત્રોમાં રમતગમતનાં સાધનો, રમકડાં, ફૂટવેર, રોબોટ અને ડ્રોનનું ઉત્પાદન સામેલ છે.યોજનાનો લાભ મેળવતા ઉદ્યોગોમાં ઓછામાં ઓછા 85 ટકા કર્મચારીઓ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. મેનેજરીયલ અને સુપરવાઇઝરી કક્ષાએ ગુજરાતના રહેવાસીઓનું પ્રમાણ ઓછામાં ઓછું 60 ટકા રાખવું પડશે. આ યોજના દ્વારા રાજ્યના MSME ક્ષેત્રને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવા, સ્પર્ધાત્મકતા વધારવા અને સ્થાનિક રોજગારની તકો ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
