ગુજરાતને છ નવા પાસપોર્ટ સેન્ટરની ભેટ આપે છે કેન્દ્ર સરકાર
Live TV
-
રાજ્યમાં કુલ 25 પાસપોર્ટ સેવા કેન્દ્રો થતા વિદેશ જવા માંગતા ગુજરાતીઓ અને બિન નિવાસી ગુજરાતી ભારતીયોને વધારે સુવિધા મળતી થશે
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને છ નવા પાસપોર્ટ સેન્ટરની ભેટ આપી છે. આ સાથે રાજ્યમાં કુલ 25 પાસપોર્ટ સેવા કેન્દ્રો થતા વિદેશ જવા માંગતા ગુજરાતીઓ અને બિન નિવાસી ગુજરાતી ભારતીયોને વધારે સુવિધા મળતી થશે. વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અકબરની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠક બાદ બિન નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી , પ્રદીપ સિંહ જાડેજાએ આ અંગેની વિગતો આપી હતી. તેમણે બેઠક અંગે જણાવ્યું હતું કે વિશ્વભરમાં વસતા ભારતીયોને જુદા જુદા દેશમાં થતી સમસ્યા કે નોકરી વગેરે બાબતોના પ્રશ્નો સંદર્ભમાં આઉટરિચ પ્રોગ્રામ અન્વયે ભારત સરકાર દ્વારા દેશના રાજ્યોમાં આ પ્રકારની બેઠકો યોજવામાં આવે છે. તે અંતર્ગત આજે ગુજરાતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નવા પાસપોર્ટ સેન્ટર અમરેલી,ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બારડોલી અને સાબરકાંઠામાં ખોલવામાં આવશે.