ગુજરાતમાં ખરીફ સિઝનનું 99.51 ટકા વાવેતર સંપન્ન
Live TV
-
તેલીબીયા પાકોનું નોંધપાત્ર વાવેતર: તેલીબિયાનું 120.65 % વિસ્તારમાં વાવેતર, ધાન્યનું 99.59 %, જ્યારે કઠોળનું 92.54 % વિસ્તારમાં વાવેતર
ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે ખરીફ સિઝનમાં કુલ વાવેતર વિસ્તારના 99.51 % વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાત રાજ્યના ખેતીવાડી વિભાગમાંથી પ્રાપ્ત આંકડાઓ મુજબ રાજ્યમાં કુલ 84,90,070 હેક્ટર(સરેરાશ વાવેતર વિસ્તાર)માં વાવેતર થાય છે, જેમાંથી 84,48,297 હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે.(31 ઓગસ્ટ, 2020ની સ્થિતિ)
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાલુ ચોમાસુ સિઝનમાં 120 % થી વધુ વરસાદ
(1સપ્ટેમ્બર, 2020ની સ્થિતિએ) થયો છે, જેમાં 94 તાલુકાઓમાં તો 1000 મીલીમીટરથી વધુ વરસાદ થયો છે. આમ, પુરતા વરસાદના પગલે ધરતીપુત્રોએ મોટાભાગનું વાવેતર પુરુ કરી દીધું છે.જો વિવિધ પાકની દ્રષ્ટીએ વાવેતરની વાત કરીએ તો રાજ્યમાં ધાન્ય પાકોમાં કુલ વાવેતર વિસ્તારના 99.59 %માં વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં ડાંગરનું 101.90 %, બાજરીનું 113.42 %, જુવારનું 62.97 % અને મકાઈનું 93.14 % વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે.
તો કઠોળ પાકોનું લગભગ 92.54 % વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં તુવેરનું 91 %,મગનું 99.78 %, મઠનું 86.52 % અને અડદનું 92.85 % વિસ્તારમાં વાવેતર થયું છે.
આ સિઝનમાં રાજ્યમાં તેલીબીયા પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે.લગભગ 120.65 % વિસ્તારમાં તેલીબીયાનું વાવેતર થયું છે. જેમાં મગફળીનું 134.10 %,તલનું 145.69 %, સોયાબીનનું 122.31 % અને દિવેલાનું 83.31 % વિસ્તારમાં વાવેતર થયું છે.અન્ય પાકોમાં કપાસનું લગભગ 85.16 % વિસ્તારમાં વાવેતર થયું છે. જ્યારે શાકભાજીનું 101.73 % વિસ્તારમાં વાવેતર થયું છે. ઘાસચારાનું વાવેતર પણ લગભગ 98.40 % વિસ્તારમાં થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના વાવેતર વિસ્તારની સરેરાશના આધારે કુલ વાવેતર વિસ્તાર (84,90,070 હેક્ટર) નક્કી કરવામાં આવે છે.