ગુજરાતમાં તા.૧૭મી મેથી વિનામૂલ્યે મે-માસના અનાજ વિતરણનો પ્રારંભ થશે : મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર
Live TV
-
રાજ્યના NFSA અને અગ્રતા ધરાવતા (PHH) પરિવારોના ૬૫.૪૦ લાખ તથા NFSAમાં સમાવિષ્ટ નથી તેવા BPL અંત્યોદય ૩.૪૦ લાખ કાર્ડધારકો મળી ૬૮.૮૦ લાખ પરિવારોને તા.૧૭મી મે રવિવારથી વિનામૂલ્યે મે-માસના અનાજ વિતરણનો પ્રારંભ કરાશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતીને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના NFSA લાભાર્થી એવા અંત્યોદય અને અગ્રતા ધરાવતા PHH પરિવારો મળી ૬૫.૪૦ લાખ તેમજ જેમનો NFSAમાં સમાવેશ થયો નથી તેવા ૩.૪૦ લાખ BPL પરિવારો મળીને કુલ ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આવતીકાલ તા. ૧૭મી મે રવિવારથી પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લાઓ, ગામડાઓ અને નગરોમાં આ વિતરણ શરૂ થશે.
તેમણે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં આવા લાભાર્થીઓને અનાજ વિતરણની તારીખો હવે પછી એટલે કે APL-1 કાર્ડધારકોને તા.૧૮ થી ર૩ મે દરમ્યાન થનારા અનાજ વિતરણ પછી જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ વિતરણ વ્યવસ્થા અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં તા.૧૭થી તા. ર૭ મે દરમ્યાન ચાલુ રહેશે. આ અનાજ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે NFSA રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેમના રેશનકાર્ડનો છેલ્લો આંક એક હશે એમને આવતીકાલ રવિવારે આ અનાજ વિતરણ કરાશે
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા અને અગ્રતા ધરાવતા PHH પરિવારો એમ ૬૫.૪૦ લાખ કાર્ડધારક પરિવારો અને એવા અંત્યોદય BPL પરિવારો જે NFSAમાં નોંધાયેલા નથી તેવા ૩.૪૦ લાખ એમ ૬૮.૮૦ લાખ પરિવારોની અંદાજે ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને આ વિતરણ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું નિ:શૂલ્ક અપાશે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વધારાના ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વ્યકિતદિઠ તથા ૧ કિલો ચણા દાળ પરિવારદિઠ આપવામાં આવશે. એટલે કે આ પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આ અનાજ વિતરણ વ્યવસ્થાનો લાભ એક સાથે મળશે.તેમણે ઉમેર્યુ કે, આ હેતુસર સમગ્રતયા તા.૧૭મે થી ર૭ મે દરમ્યાન અમદાવાદ શહેર સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો, ફરજીયાત માસ્ક વગેરેના અનુપાલન સાથે સરકાર માન્ય સસ્તા અનાજથી દુકાનનો પરથી અન્ન વિતરણ થવાનું છે તેનો પ્રારંભ તા.૧૭મી મે, રવિવારથી થશે
