ગુજરાતમાં વિવિધ શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરાયું- કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી શ્રમદાનની પ્રવૃત્તિમાં જોડાયા
Live TV
-
ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે સ્વચ્છતા માટે એક તારીખ, એક કલાક એક સાથે પહેલના ભાગરૂપે વિવિધ શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપમાં શ્રમદાનમાં ભાગ લીધો, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તેમના વિધાનસભા મતવિસ્તાર ઘાટલોડિયામાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મંત્રીઓ અને ધારાસભ્યો સહિત વિવિધ જનપ્રતિનિધિઓ એક કલાક સુધી શ્રમદાન પ્રવૃત્તિઓમાં જોડાયા.
અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ ગુજરાતમાં આજે મોટી સંખ્યામાં શ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 'સ્વચ્છતા હી સેવા' પોર્ટલ પર 30 હજારથી વધુ શ્રમદાન કાર્યક્રમો નોંધાયા છે, જેમાં આશરે 25 લાખથી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે. શ્રમદાન કાર્યક્રમોમાં 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ પહેલ'ને પ્રોત્સાહિત કરવામાં આવશે.
'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ સવા લાખ પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં લગભગ ત્રણ કરોડ ગ્રામવાસીઓની ભાગીદારી નોંધવામાં આવી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યના 11 હજાર જેટલા બ્લેક સ્પોટ પર મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાવેલ લાઈફ ઝુંબેશ અંતર્ગત રાજ્યના 14 મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા અભિયાનપણ હાથ ધરવામાં આવ્યું હતું.
