ગુજરાતમાં શરૂ થયેલા GST સેન્ટર અન્ય રાજ્યો માટે મોડલ બનશેઃ નાણામંત્રી નિર્મલા સિતારમણ
Live TV
-
રાજ્યને 12 GST સેવા કેન્દ્રની ભેટ
વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતેથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના હસ્તે રાજ્યના 12 GST સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ 12 GST સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે.
એપમાં બિલ અપલોડ કરનાર 6 ગ્રાહકોને રૂ. 10 લાખનું ઈનામ અપાયું
આ કાર્યક્રમમાં મેરા બિલ, મેરા અધિકારી લકી ડ્રોમાં રૂ. 10 લાખનું ઈનામના વિજેતા બનનાર 6 ભાગ્યશાળી ગ્રાહકોનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદના ગૃહિણી સ્મિતાબેન રાજેન્દ્રસિંહ રાજએ રૂ. 651ના પિઝા ખરીદીનું બીલ, સુરત કતારગામના ડો. મિતેશ અરવિંદભાઈ આંબલિયાએ રેસ્ટોરન્ટમાં ભોજનનું રૂ. 665નું બિલ, અમદાવાદના શિક્ષક હર્ષદ અંબાલાલ પટેલે ગ્રોસરી ખરીદીનું રૂ. 1734નું બિલ, ભૂજના પોલીસ કોન્સ્ટેબલ રોહિત નાથુભાઈ રાઠોડે ઘર સામાન ખરીદીનું રૂ. 228નું બિલ, અમદાવાદ ચાંદખેડાના પુનિત સત્યપ્રકાશ શર્માએ કપડા ખરીદીનું રૂ. 1500નું બિલ અને અમદાવાદના અતુલભાઈ સોમાણીએ મિઠાઈ ખરીદીનું બિલ મેરા બિલ, મેરા અધિકારી એપમાં અપલોડ કર્યુ હતુ. લકી ડ્રોમાં આ 6 ગ્રાહકો વિજેતા થતા તેઓને રૂ. 10 લાખના ઈનામનો ચેક મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
"ગુજરાતમાં શરૂ થયેલા GST સેન્ટર અન્ય રાજ્યો માટે મોડલ બનશે"
આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા GST સેવા કેન્દ્રમાં બાયોમેટ્રીક સિસ્ટમથી GST નંબર મેળવવા માટેની તમામ પ્રોસેસ પાસપોર્ટ મેળવતી વખતે કરવાની હોય તે મુજબની જ છે, માત્ર પોલિસ વેરિફિકેશન કરવાનું રહેતું નથી. ગુજરાતમાં મુખ્ય મુખ્ય જગ્યા પસંદ કરી GST સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. દરેક કચેરીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સરખું છે. લોકોને સરળતા પડે તે મુજબ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે બદલ ગુજરાત GST ટીમને બિરદાવું છું. ગુજરાત બિઝનેસનું હબ છે ત્યારે પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતમાં શરૂ થયેલા GST સેન્ટર અન્ય રાજ્યો માટે મોડલ બનશે.
'મેરા બિલ, મેરા અધિકાર' કેમ્પેઈન
વધુમાં નાણામંત્રી સિતારમને 'મેરા બિલ, મેરા અધિકાર' કેમ્પઈન અંગે કહ્યું કે, દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ખરીદી કરતી વખતે વેપારી કે દુકાનદાર પાસે બિલ માંગી રાષ્ટ્રના વિકાસમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી શકે છે. ગ્રાહક ટ્રેન્ડ સેટર બની શકે છે. બિલ લેવું ગ્રાહકનો અધિકાર છે અને બિલ આપવું એ વેપારી-દુકાનદારની ફરજ છે. મેરા બિલ, મેરા અધિકારથી લોકોમાં જાગૃતિ આવી રહી છે. વધુમાં વધુ લોકો ખરીદી કરતી વખતે બિલ મેળવી અપલોડ કરે એ દેશના વિકાસમાં મોટું કદમ કહેવાશે. GSTને 6 વર્ષ પુરા થયા છે. લોકોની જાગૃતિના કારણે દર મહિને ટેક્સ કલેક્શન વધી રહ્યું છે. જેના થકી રાષ્ટ્રનો પારદર્શી વિકાસ થઈ રહ્યો છે.
"ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે"
આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સ્વ. અરુણ જેટલીને યાદ કરવા જરૂરી છે તેમણે GSTનો મજબૂત પાયો નાખ્યો હતો. દેશના વિકાસમાં ગુજરાતનો વિશેષ ફાળો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે 18 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 10 ટકા ફેકટરી ગુજરાતમાં છે. ગુજરાત બિઝનેસ ફ્રેન્ડલી છે. વાપી 2 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. GST કલેક્શનમાં ગુજરાતમાં વાપી 10 ટકા ફાળો આપે છે. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે અને ડેડીકેટ ફ્રેઈટ કોરિડોર પણ વાપીથી પસાર થશે. વધુમાં ગુજરાત સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટની કામગીરીને બિરદાવતા મંત્રી દેસાઈએ જણાવ્યું કે, 20 ટકા વધારા સાથે 1 લાખ કરોડથી વધુ GST કલેક્શન થયું છે. મેરા બિલ, મેરા અધિકારથી મોટી સફળતા મળી છે. GST સેવા કેન્દ્ર દ્વારા કોઈ પણ કરદાતા કે વિક્રેતાને તકલીફ પડશે નહી પરંતુ સુવિધામાં વધારો થશે. કોઈ પણ બોગસ રજિસ્ટ્રેશન થશે નહી.