ગુજરાત પાણી પાણીઃ રાજુલા છલકાયું, 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
અમરેલી જીલ્લાના રાજુલામાં ધોધમાર વરસાદ થતા રાજુલાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. સવારના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં 90 મીમી વરસાદ પડ્યો હતો.
આજુબાજુના ગામડાઓના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ઉનાના ગિર ગઢડામાં 2 કલાકમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ છલકાઈ ગયોહતો. ગીર સોમનાથમાં સર્વત્ર ધોધમાર વરસાદ વરસ્યો હતો. દ્વારાક ગોમતી ઘાટે મોનસૂન સીઝનને પગલે 6 થી 8 ફૂટના મોજા ઉછળતાં લોકોમાં રોમાંચ જોવા મળ્યો હતો.
હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આગામી પાંચ દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. હાલ દક્ષિણ ગુજરાત પર અને ઓરિસ્સા રાજય પર અપર એર , સાયકલોનિક એર સરક્યુલેશન બન્યું છે, તેની સંયુક્ત અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ , અને ઉત્તર ગુજરાત સહિતનાં ભાગોમાં સારો વરસાદ પડશે. જયારે સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમ હવામાન વિભાગનાં નિયામક , જયંતા સરકારે જણાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં સરેરાશ પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉમરગામમાં છેલ્લા 20 કલાકમાં ચાર ઈંચ વરસાદ થતાં જળબંબાકાર થયું છે અને જનજીવન પ્રભાવિત થયું હતું. જો કે વહીવટી તંત્રે અગાઉથી લોકોને સાવચેત કર્યા હતા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો, તો કચ્છમાં ઓછો વરસાદ થયો છે.
રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 15 ટકા જેટલો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતની નદીઓ બે કાંઠે વહી રહી છે અને આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. જોકે વહીવટી તંત્ર દ્વારા અગમચેતીનાં પગલાં લેવાયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 109.44 મીટર થઈ છે. ઉકાઈ ડેમની જળસપાટી 286.22 ફુટ થઈ છે.
ઉમરગામમાં ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ઉમરગામના બસ ડેપો, જીઆઈડીસી વિસ્તાર, કોર્ટ, મેઈન રોડ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા..અવિરત વરસી રહેલા વરસાદને પગલે ઉમરગામને પાણી પાણી કરી નાખ્યું હતું. ભારે વરસાદ ને કારણે ઉમરગામ તાલુકાના ટીંભી ગામનું તળાવ ઓવરફ્લો થયું હતું, જેનું પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ હતી.
