Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્ય મંત્રીમંડળે ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીજીને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પતો શોકદર્શક પ્રસ્તાવ પસાર કર્યો

Live TV

X
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં મળેલી ગુજરાત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને દેશના અગ્રણી રાજપુરૂષ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના તા.૧૬ ઓગસ્ટ ર૦૧૮ એ થયેલા દુઃખદ અવસાન અંગે ભાવાંજલિ આપતો શોકદર્શક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. મંત્રીમંડળે બે મિનીટનું મૌન પાળી સદ્દગત શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રધ્ધાંજલિ આપી હતી. સ્વ. અટલ બિહારી વાજપેયીજીને અંજલિ અર્પતો રાજ્ય મંત્રીમંડળનો શોક પ્રસ્તાવ અક્ષરશઃ આ પ્રમાણે છે. 

    ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને દેશના અગ્રણી રાજપુરૂષ ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના લાંબી માંદગી બાદ દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાં તા. ૧૬/૦૮/૨૦૧૮ ના રોજ ૯૩ વર્ષની વયે થયેલ દુઃખદ અવસાનની મંત્રીમંડળે ઊંડા ખેદ સાથે નોંધ લીધી છે. શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫મી ડિસેમ્બર,૧૯૨૪ ના રોજ ગ્વાલિયર ખાતે થયો હતો. તેઓએ પોતાનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગ્વાલિયર ખાતે તથા સ્નાતકની પદવી વિક્ટોરિયા કોલેજ, ગ્વાલિયર ખાતેથી મેળવી હતી. ત્યારબાદ DAV કોલેજ, કાનપુર ખાતેથી રાજ્યશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેઓ ઇ.સ. ૧૯૩૯માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા. તેઓએ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી. ૧૯૪રની ભારત છોડો ચળવળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. તેઓ ૧૯૫૭માં પ્રથમ વખત બીજી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯૭૭માં કેન્દ્ર સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. ભારતના વિદેશમંત્રી તરીકે તેઓએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને હિન્દીમાં સંબોધન કર્યુ હતું. ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે શ્રી વાજપેયી તેના પ્રથમ પ્રમુખ બન્યા હતા. સૌથી લાંબો સમય સાંસદ રહેવાનો  વિક્રમ ધરાવતા શ્રી વાજપેયી ૧૦ (દસ) વાર લોકસભાના સભ્ય અને ૨ (બે) વાર રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. અજાતશત્રુ એવા શ્રી વાજપેયી પ્રખર વક્તા હતા, જેઓના પ્રવચનમાં હાસ્ય અને ગંભીરતા બંનેનો સમન્વય રહેતો. તેઓને ૧૯૯૨માં પદ્મવિભૂષણ અને ર૦૧૫માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એવા ભારતરત્ન ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. પોતાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પરમાણુ પરીક્ષણ અને કારગીલ યુધ્ધમાં વિજયી થવા જેવા સીમાચિન્હો અંકિત કરનારા કવિહ્રદયી શ્રી વાજપેયી પીડિતો પ્રત્યે અત્યંત સંવેદનશીલ હતા. ભારતીય રાજકારણના ભીષ્મ પિતામહ એવા શ્રી વાજપેયી તમામ પક્ષોનો આદર પામ્યા હતા. જેઓની ચિરવિદાયથી ક્યારેય પણ નહીં પૂરાય તેવી ખોટ પડી છે તેવા  સ્વ. શ્રી વાજપેયીના અવસાન અંગે રાજ્ય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે. રાજ્ય મંત્રીમંડળની આજની બેઠકમાં સ્વ. શ્રી વાજપેયીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થશ્રીને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply