ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક કરવામાં આવી
Live TV
-
મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલી અને ગાંધી મૂલ્યો પર આધારિત અગ્રણી શૈક્ષણિક સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠના 16મા કૂલનાયક એટલે કે, કુલપતિ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક કરવામાં આવી છે. રાજેન્દ્ર ખીમાણી આ પહેલા ગૂજરાત વિદ્યાપીઠમાં અનેક પદો પર પોતાની સેવા આપી ચૂક્યા છે. તેઓ વિદ્યાપીઠના કુલસચિવ પણ રહી ચુક્યા છે. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા વતની રાજેન્દ્ર ખીમાણીનો પરિવાર સ્વાતંત્ર્ય સેનાની છે. આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયમાંથી બાગાયત વિભાગના પ્રોફેસર તરીકે 2004 સુધી કાર્યરત રહ્યા હતા. જ્યાં તેમના માર્ગદર્શન નીચે 10થી વધુ વિદ્યાર્થીઓ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં PHD થયા હતા. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં કુલસચિવ તરીકે જોડાયા હતા. આ પદ પર તેમણે 2004થી 2019 સુધી સેવા આપી હતી. અને અહીં તેમને વિસ્તરણના કાર્યો માટે માનદ નિયામક તરીકે જવાબદારી સોંપાઈ હતી. ગાંધી મૂલ્યોને વરેલા અને કૃષિ સાથે જોડાયેલા રાજેન્દ્ર ખીમાણી ગાંધીજીના ગ્રામસ્વરાજની કલ્પના અને ઉચ્ચ શિક્ષણને સાથે જોડવાના પ્રયાસ કર્યો. સાથે જ ખેતી, બાગાયત, સજીવ ખેતી, ધાબા ખેતી, તેમજ વિદ્યાપીઠના કેમ્પસને હરિયાળુ બનાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. રાજેન્દ્ર ખીમાણી અનેકવિધ રચનાત્મક તેમજ ખાનગી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ત્યારે કુલપતિ તરીકે તેમના પર પસંદગીનો કળશ ઢોળાતા તેમના અનુભવોનો લાભ વિદ્યાપીઠને મળશે.
