ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરતમાં પોલીસ સ્ટેશનનું કર્યું લોકાર્પણ
Live TV
-
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાલ સુરતની બે દિવસીય મુલાકાત પર છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી દ્વારા સુરતમાં નવનિર્મિત પાંડેસરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ શહેરના અન્ય ચાર પોલીસ સહયતા કેન્દ્રોનું પ્રતિકાત્મક અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ કમિશ્નરની કચેરી ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તેમના દ્વારા દારૂ બંધીના કડક પાલન માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી દિવસોમાં ઈદ આવતી હોવાથી તાજિયા જૂલૂસ કે અન્ય કોઈ પણ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને જનહિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ પ્રસંગે મહત્વની જાહેરાત પણ કરી હતી કે, સુરતમાં બીજા વેસુ, પાલ, ઉત્રણ, અલથાણ અને સારોલી ખાતે નવા પાંચ પોલીસ સ્ટેશનો બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, શહેરમાં 590 નવા સીસીટીવી કેમેરા મુકવામાં આવશે તેમજ 10,000 જેટલા બોડીવોર્ન કેમેરા પણ આપવામાં આવશે.
