ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ સામે પોલીસની કામગીરીઃ કુલ 250 ગુના દાખલ કરી 414 આરોપીઓની ધરપકડ
Live TV
-
બાયોડીઝલના અનધિકૃત ઉત્પાદન અને વેચાણ રોકવા રાજય પોલીસની અસરકારક કામગીરી
રાજ્યમાં અનેક સ્થળે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું ધ્યાને આવતાં સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગોને આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જે સંદર્ભે પોલીસ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર અને પુરવઠા ખાતાના અધિકારીઓ તથા રાજય વેરા વિભાગના અધિકારીઓની સંયુકત ટીમ દ્વારા આ પ્રકારના ગેરકાયદેસરના ધંધા ચલાવતા એકમો ઉપર રેઇડ કરવાની ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવેલ હતી.
રાજય પોલીસ વડા આશીષ ભાટિયાએ રાજયના તમામ જીલ્લા શહેરના પોલીસ વડાઓને બાયોડીઝલના અનધિકૃત ઉત્પાદન અને વેચાણ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. બાયોડીઝલના નામે હલકી ગુણવત્તાના પેટ્રોલીયમ પદાર્થોનું મિશ્રણ કરીને વેચવામાં આવતું હોવા અંગે તેમજ બાયોડીઝલ તરીકે વેચાતા આ પદાર્થો ઉદ્યોગો માટેના વપરાશના નામે આયાત થતાં હોવાથી બાબત પણ તપાસવા આદેશ આપવા આવ્યા હતા.
જીલ્લા કક્ષાએ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને બાયોડીઝલ વેચતા પંપ કે અન્ય સ્થળોએ રેઇડ કરવામાં આવી હતી. જેમાં સપ્ટેમ્બર 2020 થી 20 જુલાઈ 2021 સુધીમાં કુલ 250 ગુનાઓ દાખલ કરી કુલ 414 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજયમાં બાયોડીઝલના અનધિકૃત ઉત્પાદન અને વેચાણ અંગે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરી બે દિવસમાં જ કુલ 32 ગુનાઓ શોધી કાઢી કુલ 60 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં જે લોકો આ પ્રકારે બાયોડીઝલના નામે ઇંધણ વેચતા હોય તેમની પાસે બાયોડીઝલ વેચવાનો કોઇ પરવાનો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
રાજ્યના ડીજીપી દ્વારા આવા ગુનાઓના મૂળ સુધી પહોંચીને જે પદાર્થો બાયોડીઝલના નામે વેચવામાં આવે છે તે ખરેખર શું છે અને તેનો મોટી માત્રામાં જથ્થો કયાંથી આવે છે તે અંગે પણ તપાસ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
