ગોધરા ખાતે વિજયભાઇ રૂપાણીએ કર્યો ગુણોત્સવ પ્રારંભ
Live TV
-
કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ સહીત મોટી સંખ્યા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નાનકડા ગોવિંદી ગામની પ્રાથમિક શાળામાં જ્ઞાનદીપ પ્રગટાવીને રાજ્ય વ્યાપી આઠમા ગુણોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. પરંપરાગત બીબાઠાળ વર્ગ ખંડીય શિક્ષણને બદલે સ્માર્ટ વર્ગ ખંડીય શિક્ષણનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્માર્ટ વર્ગ ખંડો આધારીત વર્ચ્યુઅલ અને ડીજીટલ શિક્ષણની વ્યવસ્થા હેઠળ બાળકો ખૂબ આનંદપૂર્વક ભણે છે અને તેમનુ શિક્ષણ સાથેનું અનુસંધાન વધુ મજબુત બને છે. આ નિરીક્ષણને આધારે રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષમાં રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ શિક્ષણ માટેના સ્માર્ટ વર્ગખંડોની વ્યવસ્થા કરવાનુ લક્ષ્યાંક રાખ્યુ છે. તે માટેના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ગયા વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 4 હજાર સ્માર્ટ વર્ગખંડો બનાવવામાં આવ્યા છે. આ વર્ષે આવા વધુ ચાર હજાર વર્ગખંડો બનાવવાનું આયોજન કર્યું છે. રાજ્યની પ્રગતિના પાયામાં શિક્ષણ છે અને શિક્ષણ એ માત્ર શિક્ષણ વિભાગનો નહીં પણ સમગ્ર સરકારનો વિષય છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના શિક્ષણને વર્લ્ડ કલાસ બનાવવાના ધ્યેયની પૂર્તિ માટે, શિક્ષણના એક્રેડીટેશન અને મૂલ્યાંકનના માધ્યમ તરીકે ગુણોત્સવ શરૂ કરાવ્યો હતો. તેના સારા પરિણામો મળ્યા છે.
સન 2009 માં શરૂ કરાયેલા ગુણોત્સવથી શાળાની શૈક્ષણિક શ્રેણીઓનું સતત સંવર્ધન થયું છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુણોત્સવ શરૂ કરાયો ત્યારે રાજ્યમાં એ પ્લસ શ્રેણીની માત્ર ૦૫ શાળાઓ હતી. જે આજે વધીને 2,117 થઇ છે. એ શ્રેણીની શાળાઓ 265 થી વધીને 17,653 અને બી શ્રેણીની શાળાઓ 3,823 થી વધીને 12,556 થઇ છે. તેની સામે અગાઉ 12,883 શાળાઓ સી ગ્રેડમાં હતી. જેની સંખ્યા ઘટીને માત્ર 1,613 અને ડી શ્રેણીની શાળાઓ 14,582 થી ઘટીને માત્ર 300 થઇ ગઇ છે. આ આંકડા ગુજરાતના નમુનેદાર ગુણોત્સવની શિક્ષણ ગુણવત્તા સુધારણાની તાકાતનો પુરાવો આપે છે.