વીઘાકોટ પાસેથી પાકિસ્તાની યુવાન ઝડપાયો
Live TV
-
25 વર્ષીય મહંમદઅલી નામનો ઘૂસણખોર થરપારકર વિસ્તારના પીપલકોટનો રહેવાસી.
ભારત અને પાકિસ્તાનના સંબંધો હાલે તંગ છે અને છેલ્લા થોડા સમયથી પાકિસ્તાની બોટ્સ સાથે માછીમારો પણ કચ્છની સાગર સીમાએ ઝડપાઇ રહ્યા છે. આ વચ્ચે આજે વીઘાકોટ સીમાએથી પાકિસ્તાની યુવાનને સીમાસુરક્ષા દળના જવાને ઝડપી લેતાં સુરક્ષા એજન્સીઓની દોડધામ વધી ગઇ છે. ગઈકાલે વહેલી સવારે સીમાદળની 79 બટાલિયન પેટ્રોલિંગમાં હતી ત્યારે વીઘાકોટ પાસે 1125 પીલર નજીક સંદિગ્ધ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડયો હતો. આ 25 વર્ષીય મહંમદઅલી નામનો ઘૂસણખોર થરપારકર વિસ્તારના પીપલકોટનો રહેવાસી છે. તેની પાસેથી પાકિસ્તાની ચલણની 100ની નોટ સિવાય કશું સંદિગ્ધ પ્રાપ્ત થયું નથી. બીએસએફએ આ યુવાનની સઘન પૂછતાછ હાથ ધરી છે. આ યુવાન પાગલ જેવો જણાતો નથી, પરંતુ માનસિક રીતે હતાશ હોય તેવું કળાઇ રહ્યું છે. પૂછતાછ બાદ આ ઘૂસણખોરને પોલીસ હવાલે કરાશે અને ત્યારબાદ જોઇન્ટ ઇન્ટ્રોગેશન (જેસીબી)ના હવાલે કરી વધુ પૂછતાછ બાદ તેનો સીમા ઓળંગવાના આશય જાણવાના પ્રયાસો થશે. બીજીતરફ અન્ય સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર આ યુવક ઊંટપાલક છે અને તે સરહદે ઊંટ ચરાવા ગયા બાદ ઊંટ ખોવાઈ જતાં તેને શોધવા આખી રાત સીમા પર ભટક્યો હતો અને સીમા ઓળંગી અહીં આવી પહોંચ્યો હોવાની શક્યતા દર્શાવી છે. આ ઘટનાના પગલે સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે અને આ પ્રકરણને ગંભીરતાથી લઇ રહી છે.