છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં વરસાદ, આજે 18 જિલ્લામાં આગાહી
Live TV
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. પંચમહાલના મોરવા હડપમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ચોમાસું ગમે તે ઘડીએ એન્ટ્રી કરશે... નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ થયો છે અને હવે તે જ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર થતા સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાઈ રહ્યા છે. સાથે રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12થી 13 દિવસ વહેલું બેસી રહ્યું છે. તો બીજી બાજુ હવામાન વિભાગના મતે આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.
