છોટાઉદેપુરઃ નિવૃત આર્મી જવાને આદિવાસી યુવાનોને ટ્રેનિંગ આપી સેનામાં ભરતી માટે મદદરુપ થવાનો સેવા યજ્ઞ શરુ કર્યો
Live TV
-
2002માં છોટાઉદેપુર ખાતે યોજાયેલ લશ્કરી ભરતી મેળામાં ભાગ લઇને સેનામાં જોડાયેલા રીકેશભાઈ રાઠવા પોતે નિવૃત્ત થયા છે. રીકેશભાઈ સેનામાંથી નિવૃત થયા બાદ હાલ પોતાના વતન જલોદા ખાતે સ્થાયી થયા છે.
નિવૃત બાદ પણ દેશની સેવા માટે રીકેશભાઈ રાઠવા આજે પણ પ્રયાસશીલ છે. રીકેશભાઈ ગ્રામ્ય અને ડુંગર વિસ્તારમાં રહેતા આદિવાસી વિસ્તારના ઓછું ભણેલા 400 જેટલા યુવાનોને સેનામાં ભરતી થવા માટે વિના મૂલ્યે ટ્રેનિંગ આપી રહ્યાં છે. આર્મીની ભરતમાં શારીરિક તાલિમની ખાસ જરુર પડતી હોય છે. યોગ્ય રીતે તાલિમ લીધેલા યુવાનોને સેનાની શારીરિક પરીક્ષા પાસ કરવામાં સરળતા પડતી હોય છે.
આ તાલીમ માટે રીકેશભાઈ સતત પ્રયત્નશીલ છે અને 400 જેટલા યુવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે. શારીરિક તાલીમની સાથે સાથે લેખિત પરીક્ષા માટે અને યુવાનોના આરોગ્ય માટે રીકેશભાઈના શિક્ષકમિત્રો અને તબીબ મિત્રો સહયોગ કરી રહ્યા છે. યુવાનો નિવૃત્ત જવાન રીકેશભાઈ રાઠવા દ્વારા આપવામાં આવતી તાલીમથી ખુશ છે. તાલીમ લઇ રહેલા યુવાનોનું કહેવું છે કે, તાલીમ મળી રહેતાં આવનારી લશ્કરી ભરતીમાં ચોક્કસપણે તેમની પસંદગી થશે.
