જામનગરની જી.જી. હૉસ્પિટલમાં લાગી આગ, 9 દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાયાં
Live TV
-
જામનગરની જી.જી. હૉસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરઃ શહેરની જી.જી. હૉસ્પિટલના ICU વિભાગમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ICU વિભાગમાં રહેલા 9 દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આજે મંગળવારે બપોરે 03:30 વાગ્યે અચાનક ભીષણ આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. જો કે ફાયર વિભાગ આવે તે પહેલાં જ આગ વિકરાળ રૂપ ધારણ કર્યું અને ICU વિભાગમાં રહેલા દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.
આગ લાગતા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને હૉસ્પિટલમાં રહેલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ICU વોર્ડમાં રહેલા 9 હદય રોગના દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
હોસ્પિટલમાં આગની ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકાના કમિશનર ફાયર ઓફિસર તેમજ જીજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીન સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ખૂબ જ થોડા સમયની અંદર આગને કાબૂમાં લેવામાં આવી હતી અને ICU વિભાગમાંથી દર્દીઓને બહાર કાઢી અન્ય વોર્ડમાં સહી-સલામત ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલાને લઈને ગાંધીનગર ખાતેથી ટીમો આગની ઘટના અંગે નિરીક્ષણ કરવા માટે આવશે તેમ પણ જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
