Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં ગુજરાતના સ્થાપના દિને ગુજરાતના ગૌરવને ઉજાગર કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ 'નમોસ્તુતે નવાનગર' યોજાયો 

Live TV

X
  • સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ત્રણ મહાનુભાવોને ગુજરાત ગરિમા એવોર્ડ-2023થી સન્માનિત કરાયા

    જામનગર, તા. 1 મે, ગુજરાતના 63 માં સ્થાપના દિન 'ગુજરાત ગૌરવ દિન' ની જામનગરમાં રાજ્યકક્ષાની ઉજવણીના અવસરે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નમોસ્તુતે નવાનગરની પ્રસ્તુતિના પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, બીજાને અપનાવવા અને બીજામાં ભળી જવું એ બંને ગુણ હોવા એ ગુજરાતીઓનું ગૌરવ છે. રાજ્યપાલે સગૌરવ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ અને નેતૃત્વમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં દેશનું નેતૃત્વ કરશે. 

    રાજ્યપાલએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, દુનિયાના 172 દેશોમાં ગુજરાતીઓ વસે છે. ગુજરાતે વિકાસની એક નવી ઓળખ આપી છે. મહાત્મા ગાંધીજી,સમાજ સુધારક દયાનંદ સરસ્વતી અને સર્વ સમાવેશક વિકાસના પ્રણેતા નરેન્દ્ર મોદી પણ ગુજરાતે દેશને આપ્યા છે. તેઓએ ગુજરાત ગૌરવ દિને ગુજરાતમાં થઇ રહેલા વિકાસ અને પ્રાકૃતિક ખેતી તરફ જન આંદોલનમાં ગુજરાતના ખેડૂતોના ઉત્સાહને બિરદાવી જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર ભારતનું પણ સપનું સાકાર થશે. લોકોના આરોગ્યની સુખાકારી સાથે ખેડૂતોની સમૃદ્ધિ થશે. ગુજરાતના સ્થાપના દિને પ્રાકૃતિક ખેતી વધુ અપનાવવા તેઓએ આહવાહન કરી જન ભાગીદારી સાથે આ અંગે સંકલ્પ કરવા માટે પણ આહવાહન કર્યું હતું. 

    ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમ સહર્ષ જણાવ્યું હતું. તેઓએ ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જામનગરની આગવી અધ્યાત્મિકે ઓળખ અને ઔદ્યોગિક નગરી તરીકે પણ આગવી વિશેષતા ધરાવે છે. રાજ્યપાલએ ગુજરાત ગરિમા એવોર્ડ અને સન્માનિત શ્રેષ્ઠીઓને બિરદાવીને તમામ ગુજરાતીઓને 'ગુજરાત દિવસે શુભકામના પાઠવી હતી. 

    આ પ્રસંગે, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 1 લી મે, 1960 ના રોજથી ગુજરાતે અલગ અસ્તિત્વ સાથે આગવી ઓળખ સ્થાપિત કરી છે. શરૂઆતના વર્ષોમાં યોગ્ય નાણાંકીય વ્યવસ્થાપનના અભાવે ગુજરાતનો પૂરતો વિકાસ થયો ન હતો. પરંતુ, છેલ્લા 20- 25 વર્ષમાં ખાસ કરીને, તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનો પુરઝડપે વિકાસ થયો છે, અને મુખ્યમંત્રીના નેતૃર્ત્વમાં અમૃતકાળમાં સૌથી મોટું રૂ. 300 લાખ કરોડનું બજેટ ગુજરાતને મળ્યું છે, અને તે ગુજરાતીઓ માટે વપરાશે. તે પણ ગૌરવ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, આશરો આપનારાઓની ભૂમિ જામનગર ખમીરવંતો ઇતિહાસ ધરાવે છે. પોલેન્ડમાં આજે પણ જામસાહેબને યાદ કરવામાં આવે છે. ભૂચર મોરીનું યુદ્ધ એ શરણે આવેલાના રક્ષણ માટે અને આશરો ધર્મ પાળવા માટેની શૌર્ય ગાથા છે.

    આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય અને રાષ્ટ્રના પર્વને જિલ્લાઓમાં વિકાસ સાથે જોડીને- સમાજ સેવકોને ગુજરાત ગરિમા એવોર્ડ આપીને સન્માનિત કરીને ગુજરાત સરકારે દેશને વિકાસનું મોડેલ આપ્યું છે. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશને ઉન્નતિના માર્ગે લઇ જઈ રહયા છે. આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વનું દુનિયામાં માન વધ્યું છે. દેશના વિકાસની ચર્ચા થાય છે. આ સપૂતો પણ ગુજરાતનું ગૌરવ છે. તેઓએ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભ પટેલની રાષ્ટ્ર સેવાને યાદ કરીને ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનારા વીરોને પણ વંદન કર્યા હતા. 

    સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ત્રણ મહાનુભાવોને ગુજરાત ગરિમા એવોર્ડ-2023થી સન્માનિત કરાયા હતા. જેમાં સેવા સહકારિતા કાર્ય ક્ષેત્રે સ્વ.અનુ ઠક્કરને મરણોત્તર એવોર્ડ તેમજ રમત ગમત ક્ષેત્રે સરિતા ગાયકવાડ અને કલા-લેખક ક્ષેત્રે ડો. જગદીશ ત્રિવેદીને એવોર્ડ એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના પ્રતિષ્ઠિત 18 નાગરિકોને બાંધણીની સાલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને માહિતી કચેરી દ્વારા સંપાદિત કોફી ટેબલ બુક "નમોસ્તુતે નવાનગર" અને "જાજરમાન જામનગર" વિકાસવાટિકા બુકનું વિમોચન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની વિકાસગાથા, ગુજરાતનો ઐતિહાસિક વારસો, ગુજરાતના પ્રખ્યાત મંદિરો તેમજ સાંસ્કૃતિક વારસો દર્શાવતી ફિલ્મ બતાવવામાં આવી હતી. રાજ્યપાલ અને મંત્રીઓના હસ્તે નવી જાહેરાતના ભાગરૂપે જામનગર મહાનગર, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારને રૂ.2.50 કરોડ એમ કુલ રૂ.7.50 કરોડના ચેક કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને કમિશનરને એનાયત કરવામાં આવ્યા હતા. 

    જામનગરને કેન્દ્રમાં રાખી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, સચિવ અશ્વિનીકુમાર તથા કમિશનર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એ.પી. ટીમ પ્રોડક્શન દ્વારા 60 મિનિટનો “નમોસ્તુતે નવાનગર” નામનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નૃત્ય, ગીત, સંગીત અને ડ્રામેટીક પ્રેઝન્ટેશન થકી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. 150 કલાકારો તથા 40 ટેકનીશીયન્સન દ્વારા તૈયાર કરાયેલ આ મલ્ટીમીડિયા શોમાં જામનગરની સ્થાપનાથી લઈ જામનગરનો ઇતિહાસ, ભૂચરમોરી યુદ્ધ સહિત જામનગરના સાંસ્કૃતિક અને સાહિત્યિક ચેતનાને ઉજાગર કરતા દ્રશ્યો તેમજ જામનગરના વિવિધ પાસાઓને રસપ્રદ રીતે ઉજાગર કરવામાં આવ્યાં હતા.આ મલ્ટીમીડિયા શો ની સ્ક્રીપ્ટ જામનગરના ડો. મનોજ જોશી “મન” દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમજ ગૌરવ પુરસ્કૃત નાટ્ય દિગ્દર્શક વિરલ રાચ્છ તથા જય વિઠલાણી દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. શો ને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અંકુર પઠાણ દ્વારા કોરીયોગ્રાફ કરવામાં આવ્યો હતો.

    કાર્યક્રમમાં કલેકટર બી.એ.શાહે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં લેડી ગવર્નર દર્શનાદેવી, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમ માડમ, મેયર બીના કોઠારી, ધારાસભ્યો રીવાબા જાડેજા, મેઘજી ચાવડા, દિવ્યેશ અકબરી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, ડીજીપી વિકાસ સહાય, અગ્ર સચિવ અશ્વિની કુમાર, પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા વિકાસ અધિકારી  વિકલ્પ ભારદ્વાજ, કમિશનર ડી. એન. મોદી, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
apply