જીઆઈડીસીમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ પાયાવિહોણોઃ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ
Live TV
-
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર જીઆઈડીસીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે જેની સામે પ્રતિક્રિયા આપતા પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સમગ્ર રાજ્યમાં અંદાજે ૨૩૯ જેટલા ઔદ્યોગિક વસાહતોમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે. જેના મારફતે ઘરેલું ઉત્પાદન, નિકાસ, રોજગારી, સંશોધન જેવા અનેક હેતુઓ પૂરા થાય છે અને તેના મારફતે રાજય તેમજ રાષ્ટ્રની આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળે છે તેમ પ્રવક્તામંત્રીએ જણાવ્યુ હતુ.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર જીઆઈડીસીમાં પ્રથમ તબક્કામાં 3 અબજ 50 કરોડ રુપિયા અને બીજા તબક્કામાં 12 અબજ 20 કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો છે. આ આરોપ સામે પ્રતિક્રિયા આપતા પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ કે, કોંગ્રેસે કરેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને સત્યથી વેગડા છે. વાસ્તવમાં સમગ્ર રાજ્યમાં 239 જેટલી જીઆઈડીસીમાં 70,000થી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરાઈ છે અને તેનાથી રાષ્ટ્રના આર્થિક વિકાસને પણ વેગ મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે જી.આઈ.ડી.સી. સરકાર પાસેથી કે સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવી માળખાકીય સુવિધાઓ ઊભી કરીને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ઉદ્યોગકારોને પોષણક્ષમ ભાવે જમીન આપે છે. જી.આઈ.ડી.સી. નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી. તેથી તેની સરખામણી પ્રાઈવેટ પાર્ક કે ડેવલપર્સ સાથે કરી શકાય નહીં.
જીઆઇડીસી દ્વારા કોઈ પણ ઔદ્યોગિક વસાહતમાં ૯૦% કે તેથી વધુ પ્લોટોની ફાળવણી ધ્યાને લઇ સંપૂર્ણ વસાહતને સેચ્યુરેટેડ વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૧ વસાહતો સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવી છે. સમગ્ર વસાહતના (ના કે વસાહતના કોઈ અમુક ઝોનના) ઉપલબ્ધ પ્લોટ આધારે જ સમગ્ર વસાહતને એક યુનિટ તરીકે ગણીને જ સેચ્યુરેટેડ વસાહત તરીકે નિયત કરવામાં આવે છે.સાયખા અને દહેજ જીઆઈડીસીમાં જમીન ફાળવણી અંગે સ્પષ્ટતા
દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતો સંદર્ભે ઋષિકેશ પટેલે જણાવ્યુ કે દહેજ અને સાયખામાં કેમિકલ તેમ જ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. આ ઔદ્યોગિક વસાહતોના કેમિકલ ઝોનમાં ૯૦ ટકા જેટલા પ્લોટો વેચાયા હોવાથી જી.આઈ.ડી.સી. દ્વારા નિયામક મંડળની ૫૧૮મી સભામાં ફક્ત આ કેમિકલ ઝોનને સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ વિવિધ ઔદ્યોગિક સંગઠનો, ઉદ્યોગકારો તરફથી રજૂઆતો મળી કે સમગ્ર વસાહતના ૯૦ ટકા પ્લોટ વેચાયા હોય તો જ તેને સેચ્યુરેટેડ જાહેર કરી શકાય છે. જી.આઈ.ડી.સી.એ પણ આ સંદર્ભમાં તેની પ્રણાલીને આધીન રહીને ૫૧૯મી બોર્ડ બેઠકમાં સાયખા અને દહેજના સમગ્ર ઔદ્યોગિક વસાહતના ૯૦ ટકા સુધીના પ્લોટોની ફાળવણી થયેલ ન હોય, સમગ્ર સાયખા અને દહેજ ઔદ્યોગિક વસાહતને અનસેચ્યુરેટેડ જાહેર કરી. ત્યારબાદ આજ સુધી સાયખામાં કોઈ ઉદ્યોગોને જમીનની ફાળવણી કરવામાં આવી નથી. અને તેથી સાયખામાં જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાનો જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે.
કોંગ્રેસ હરાજી વગર માત્ર નક્કી થયેલા દરે ફાળવણી કરતીઃ પ્રવક્તામંત્રી
ઋષિકેશ પટેલે જણાવ્યુ કે કોંગ્રેસ સરકારના સમયગાળામાં હરાજી વગર જ માત્ર નક્કી થયેલ ફાળવણી દરે ફાળવણી કરવામાં આવતી હતી. પરંતુ ભાજપ સરકાર આવ્યા પછી સેચ્યુરેટેડ એસ્ટેટમાં જાહેર હરાજીથી પ્લોટોની ફાળવણી કરવાની પ્રણાલી શરૂ થઈ છે. આવેલી જૂની અરજીઓ સાથે વાટાઘાટો અને વહીવટ બાદ ભ્રષ્ટાચાર થયો છે તેવો જે આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યો છે તેને પાયા વિનાનો ગણાવતા ઉમેર્યું કે જૂની મંગાવેલ અરજીઓ પૈકી એકપણ અરજદારને આજદિન સુધી પ્લોટ ફાળવવામાં આવ્યો નથી એટલે વાટાઘાટાનો કોઇ પ્રશ્ન જ ઉદ્દભવતો નથી.
