દિવાળીના તહેવારોમાં સુરત ST વિભાગ 2200થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે
Live TV
-
ST નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇ વતનમાં જવા એકસ્ટ્રા બસો દોડાવાશે. સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેવાડાના માનવી સુધી ST બસની કનેક્ટીવીટી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નવી બસોની ફાળવણી કરવામાં આવી રહી છે. ST વિભાગના કર્મચારીઓની માંગણીઓ અંતર્ગત મુખ્યમંત્રી સાથે તબક્કાવાર બેઠકો કરવામાં આવી છે. રાજ્યમાં ST નિગમ દ્વારા દરરોજની 8000થી વધુ બસો 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનમાં જતા હોય છે.
સૌથી વધુ એકસ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા 7 નવેમ્બરથી 11 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. આ માટે મુસાફરો ST નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરો વિશેષ પૂછપરછ માટે નિગમના ટોલ ફી નં. 1800 233 666 666 પર 24 કલાક જાણકારી મેળવી શકશે. સુરતથી ભાડાની વિગતો જોઈએ તો સુરતથી અમરેલીનું ૪૦૦ રૂપિયા ભાડુ છે, સુરતથી સાવરકુંડલાનું 425 રૂપિયા, ભાવનગરનું 350 રૂપિયા મહુવાનું 405 રૂપિયા રાજકોટનું 385 રૂપિયા, જૂનાગઢનું 435 રૂપિયા, જામનગરનું 445 રૂપિયા, અમદાવાદનું 280 રૂપિયા દાહોદનું 305 અને છોટાઉદેપુનું 275 રૂપિયા ભાડુ છે.
