દિવાળીના તહેવારો દરમિયાન સરકાર ગરીબ પરિવારોને રાહત દરે 1 કિલો સિંગતેલ આપશે
Live TV
-
દિવાળીના તહેવારો દરમિયાન સરકાર દ્વારા ગરીબ પરિવારોને રાહત દરે એક કિલો સિંગતેલ આપવામાં આવશે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે વિધાનસભામાં આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે 1લી ઓકટોબરથી આ જાહેર વિતરણની કામગીરી શરૂ થશે. વિધાનસભામાં ખાદ્યતેલના ભાવો અંકુશમાં રાખવા અંગેની ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ વધુમાં કહ્યું કે, ગરીબોને મદદરુપ થવા માટે રાજ્ય સરકારે 71 લાખ કાર્ડ ધારકોને 100 રુપિયાના રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો. આ માટે રાજય સરકાર 97 રુપિયાની સબસીડી નાગરિકો વતી વહન કરશે.
અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે કહ્યું કે, જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 66 લાખથી વધુ ગરીબ પરિવારને કુટુંબ દીઠ 1 લીટર સીંગતેલનું વિતરણ રાહત દરે કરવામાં આવ્યું હતું. અગાઉ ગૃહની કાર્યવાહીની શરુઆતમાં ખાદ્યતેલના ભાવ અંકુશમાં લાવવા સરકાર દ્વારા લેવાયેલાં પગલાં અંગે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા પૂછાયેલા પ્રશ્ન બાદ મોંઘવારી મુદ્દે હોબાળો થયો હતો. ત્યારબાદ વિરોધપક્ષના સભ્યોએ લમ્પી વાયરસનો મુદ્દો ઉઠાવીને સભાનો ત્યાગ કર્યો હતો.
