દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જરૂરી છે : અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે કહ્યું છે કે, દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જરૂરી છે. ગુજરાતના આણંદમાં રાષ્ટ્રીય સહકારી ડેરી મહાસંઘના કાર્યાલયનો ઓનલાઇન શિલાન્યાસ કરાવતાં અને ગાંધીનગરમાં રાષ્ટ્રીય ગુન્હા સંશોધન વિજ્ઞાન યુનિવર્સીટી સંકુલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અમિત શાહે આ મુજબ જણાવ્યું હતું.કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સહકારી બેન્કો, સહકારી દૂધ મંડળીઓ, સંગઠનો અને પશુપાલક ખેડૂતો વચ્ચે પરસ્પર સંકલન સધાય તેવું સહકારી મોડલ અપનાવવા અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા અને પંચમહાલ જીલ્લામાં કરવામાં આવેલી આવી વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, દેશમાં દૂધના ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 51 ટકાનો વધારો થયો છે.
આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી ડેરીઓના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું અને ડીજીટલ ભારતને પ્રોત્સાહન આપવા ડેરીના કામોમાં સો ટકા ડીજીટલ વ્યવહારો કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ સજીવ ખેતી પર ભાર મૂકીને ગ્રામીણ કક્ષાએ ગાયનું છાણ એકત્રિત કરવા કેન્દ્રો સ્થાપવાનું સહકારી દૂધ મહાસંઘોને કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશનના આ નવા ભવનના શિલાન્યાસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિત શાહના દિશાદર્શનમાં ‘સહકાર થી સમૃદ્ધિ’ ની દિશામાં વધુ એક પહેલરૂપ ગણાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન, અમિત શાહે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 37 વિજેતાઓને રાષ્ટ્રીય સહકારી દૂધ મહાસંઘના ઇ-માર્કેટ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. સંક્ષિપ્ત વૃતાંત, તેની વિકાસયાત્રાની વિગતો, હાંસલ કરેલા સીમાચિહ્નો અને તેના NCDFIના દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી એક કૉફી ટેબલ બૂકનું અમિત શાહે વિમોચન કર્યું હતું.
