દેશનું સંપૂર્ણ સોલર સિટી બન્યું દીવ, વીજ બાબતે દીવ બન્યું સરપ્લેસ
Live TV
-
કુદરતી સંસાધનોથી ભરપૂર અને પ્રવાસીઓની પ્રથમ પસંદ એવું દરિયાઈ શહેર દીવ હવે સંપૂર્ણ રીતે દેશનું પ્રથમ સોલાર સીટી બની ગયું છે.
કુદરતી સંસાધનોથી ભરપૂર અને પ્રવાસીઓની પ્રથમ પસંદ એવું દરિયાઈ શહેર દીવ હવે સંપૂર્ણ રીતે દેશનું પ્રથમ સોલાર સીટી બની ગયું છે. ગુજરાતની નજીક આવેલ કેન્દ્રશાસિત ટુરિસ્ટ પોઇન્ટ દીવને હવે વીજ બાબતે કોઈના પર નિર્ભર રહેવું પડશે નહીં.
ગુજરાતના દરિયા કિનારાની નજીક આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઇલેક્ટ્રિસિટી ધરાવતું દેશનું પ્રથમ શહેર બની ગયું છે. ટુરિસ્ટ આધારિત આ જિલ્લામાં દિવસ દરમ્યાન એટલે કે પિક અપ સમયમાં તેને ગુજરાતની ઇલેક્ટ્રિસિટી એટલે કે પાવરની જરૂર રહેતી નથી.
દીવના મલાલા સ્થિત 50 એકર જમીનમાં સોલાર પાવર લગાડવામાં આવતા દિવસ દરમ્યાન દીવ જિલ્લાને જે પાવરની જરૂર પડે છે, એના કરતાં પણ વધુ ઉત્પાદન થાય છે. 2016માં સૌ પ્રથમ 3 મેગા વોટનો પ્લાન કાર્યરત કરાયો હતો. ત્યારબાદ એ જ જગ્યા પર વધુ 6 મેગા વોટનો પ્લાન નંખાયો હતો. જે કાર્યરત થતા અને સાથે સરકારી વિવિધ 79 કચેરીમાં પણ અગાશી પર સોલાર રુફટોપ નખાતા એમાથી 1.27 મેગા વોટ વીજળી ઉત્પન્ન થાય છે.
આમ 9 મેગાવોટ સોલાર પ્લાન્ટથી અને 1.27 મેગાવોટ અગાશી પર લગાવેલ ધાબા દ્વારા વીજળી મળતા કુલ 10.27 મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળે છે. દીવ જિલ્લાની કુલ વસ્તી 50 હજારની આસપાસ છે અને 40 કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. દીવમાં દિવસ દરમ્યાન 6-7 મેગાવોટ વીજળીની જરૂરત રહે છે ત્યારે 10.27 મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળતાં દીવ દિવસ દરમ્યાન વીજળીની બાબતમાં સરપ્લેસ બન્યું છે.
દીવ ભારતનો પ્રથમ એવો જિલ્લો બન્યો છે કે, જેની વીજળીની માંગ સોલાર પ્લાન દ્વારા પૂરી થશે. બીજી તરફ આ જ જગ્યા પર આ વર્ષના અંત અથવા આવતા વર્ષ સુધીમાં વિન્ડ પ્રોજેકટ કાર્યરત થશે. જેમાં 7 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે, ત્યારે રાત્રી દરમ્યાન જે વીજ માંગ છે તે પણ પુરી થશે. ત્યારે પણ તે દેશનો પ્રથમ જિલ્લો હશે જેને કુદરતી સોર્સ દ્વારા ક્લીન વીજળી મળતી હશે.
